રાજકોટ મૂળ રાજસ્થાનના વતની પરિવારની 10 વર્ષની બાળકીએ રમતરમતાં નાકમાં રબર નાંખી દેવાનો આ કિસ્સો વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો છે. 3 મહિનાથી નાકમાં રબર ફસાયું હતું તેની જાણ પરિવારને ન હતી. ત્રિવેદી પરિવારની 10 વર્ષીય બાળકીએ પોતાના નાકમાં ત્રણેક માસ પહેલાં રબરનો ટુકડો નાંખી દીધો હતો. જેની માતા પિતાને જાણ પણ ન હતી. જોકે રબરના ટુકડાને લઇને બાળકીને સ્વાસ્થ્ય વિષયક ઘણી સમસ્યાઓ ઊભી થઇ રહી હતી જેની પરિવાર દ્વારા અલગ અલગ ઠેકાણે સારવાર કરવામાં આવી રહી હતી. બાળકીને સતત નાકમાં દુખાવો રહેતો હતો અને નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. જ્યારે આ અંગેની દવા પણ કરાવી પરંતુ સારું નહોતું થયું. અંતે આ બાળકીનો કેસ રાજકોટના ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસે પહોચ્યો હતો. જેમની તપાસમાં સાચું નિદાન થયું હતું. તેમણેે બાળકીના નાકમાં દૂરબીન વડે જોયું તો રબર બાળકીના નાકમાં ફસાયું જોવા મળ્યું હતું. રબર તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યું હતું.
બાળકીને શ્વાસ લેવામાં થતી હતી તકલીફ બાળકીના પિતા મદનભાઈ મૂળ રાજસ્થાનના કાંકરોલીના વતની છે અને હાલમાં રાજકોટમાં રહે છે. તેમણે ડો હિમાંશુને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું અને નાકમાંથી લોહી પણ નીકળતું હતું. જ્યારે નાક વડે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આ પ્રકારની પરિસ્થિતિ દરમિયાન શરદી માટે અનેક દવાઓ કરાવી પણ ફરક ન જણાયો ન હતો.તેથી તેઓ અહીં ડોક્ટર પાસે બાળકીને લઈને આવ્યા હતાં.
આ પણ વાંચો માછીમારના નાકમા આ રીતે ફસાયું ઝીંગા, પછી થયું કંઇક આવું...