રાજકોટઃઈ મેમો ન ભરો તો શું થાય એનો જવાબ પોલીસે જ આપી દીધો છે. રાજકોટમાંથી 1500થી વધારે વાહનોના ઈમેમો ફાટ્યા છે. જેની રકમ વાહનમાલિકે ભરી જ નથી. જેને લઈને હવે રાજકોટ પોલીસ કાયદેસરના પગલાં લેશે. ઇમેમો નહિ ભરેલા 1500થી વધુ વાહનો રાજકોટ ટ્રાફિક પોલીસ કબજે કરીને કાયદેસરની કામગીરી કરશે. હવે ઈ મેમો દંડ મામલે પોલીસ એલર્ટ થઈ છે.
વાહન જપ્ત થશેઃ જે વાહનોનો ઈ મેમો ભરાયો નથી એને કબ્જે કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં ચાર કે તેથી વધુ ઈ મેમો નથી ભર્યા તેવા અંદાજિત 1500 જેટલા વાહનો છે. આ વાહનોને હવે ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે. તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ માટેની તજવીજ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
કોર્ટમાં અરજી કરાઈઃ આવા વાહનો જપ્ત કરવા કોર્ટમાં મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટ દ્વારા પણ આવા ઈ મેમો નહિ ભરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં ચાર કે તેથી વધુ ઈ મેમો વાળા વાહનોને જપ્ત કરશે. આ અંગે વધારે સ્પષ્ટતા રાજકોટ ટ્રાફિક પોલીસના એસપીએ કરી હતી. જેમાં ટાઈમથી લઈને એક્ટ સુધીની માહિતી આપવામાં આવી હતી.
જુલાઈ 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં જે વાહન ચાલકોને ચાર કે તેનાથી વધારે ઈ મેમો મળ્યા હશે. તેમજ જે લોકો ઇ ચલણને ઇગ્નોર કરે છે અને દંડ પણ ભરતા નથી. એવા વાહનોને જપ્ત કરવા માટે અમે નામદાર કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. જેના માટેની મંજૂરી અમને કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જ્યારે મોટર વ્હીકલ એક્ટની 167ની પેટા કમલ 8 નીચે અમને આ મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમે જે પણ કોઈ વાહન કબ્જે કરીએ ત્યારે વાહન ચાલક જો આ ઈ મેમાની રકમની ભરપાઈ કરતા હોય તો અમે આ વાહનોને તેમને પરત આપી શકીએ છીએ.---જયવીર ગઢવી (રાજકોટ ટ્રાફિક પોલીસના એસીપી)
યાદી તૈયાર કરાઈઃટ્રાફિક એસીપી જયવીર ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, જુલાઈ 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં માત્ર રાજકોટમાં જ આવા 1500 જેટલા વાહનો છે. જેમને ચાર તેથી વધારે ઈ મેમો આપવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક વાહનો ચાલકો દ્વારા ઇમેમો ભરવામાં આવ્યા છે. જે લોકોએ આ ઈ મેમો ભર્યો નથી. તેમની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં ઘણા વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યા છે. ત્યારે આ ઈ મેમોનો દંડ વસૂલ કરવા માટે રાજકોટ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે.