રાજકોટ : રાજકોટનું યુવાધન જાણે નશાના રવાડે ચડ્યું હોય તે પ્રકારે ડ્રગ્સ અને ગાંજો સહિતના નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. રાજકોટના ભક્તિનગર પોલીસ દ્વારા 34 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ ભક્તિનગર પોલીસે બે શખ્સની ધરપકડ પણ કરી છે. જ્યારે આ શખ્સો રાજકોટમાં અન્ય જગ્યાએ ગાંજો સપ્લાય કરે તે પહેલા જ ભક્તિનગર પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. હાલ આ બંનેને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે ઝડપાયો ગાંજો : ભક્તિનગર પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના 80 ફૂટ રોડ ઉપર પટેલ નગર શેરી નંબર 6ના ખૂણે રીક્ષામાં બેસીને થઈ બે શખ્સો ગાંજાના મોટા જથ્થા સાથે જઈ રહ્યા છે. જેના આધારે પોલીસે આ રીક્ષાને ઉભી રાખી હતી અને તેની તપાસ કરતાં તેમાંથી 34 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો હતો. જ્યારે પોલીસ દ્વારા રૂબરૂ પંચોની હાજરીમાં અને FSLની ટીમને સાથે રાખીને આ ગાંજાનો કબજો લીધો હતો. તેમજ બંને શખ્સોને પકડી પાડ્યા હતા. હાલ આ શખ્સો ગાંજો ક્યાંથી લાવ્યા હતા. તેમજ કેટલા સમયથી આ પ્રકારના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા છે. હાલ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી