રાજકોટ : રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સુરજ તેજસ ઠાકર નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા નીપજાવામાં આવી છે. જ્યારે મૃતકના પિતાએ ₹20,000 વ્યાજે લીધા હતા અને આ વ્યાજ મામલે યુવાનની હત્યા કરવામાં આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
20 હજારનું દૈનિક 200 રુપિયા વ્યાજ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા તેજસ ઠાકરે પોતાના મિત્ર પાસે કમલેશ ગોસાઈ પાસેથી 20,000 રુપિયા વ્યાજે લીધા હતા. તેનું દૈનિક 200 વ્યાજ ચૂકવવામાં આવતું હતું. જ્યારે વ્યાજે લીધેલા પૈસા તેજસ પોતાના મિત્ર કમલેશ ગોસાઈને આપવા માટે ગયો હતો અને આ મામલો અહીંયા પૂર્ણ કરી દેવાનું જણાવ્યું હતું. પરંતુ કમલેશ ગોસાઈએ આજના દિવસનું સો રૂપિયા વ્યાજ માંગ્યું હતું.
મિત્રના પુત્રોએ પતાવી દીધો : આમ વધુ નાણાં માગવાના કારણે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને તેજસ 20,000 લઈને પરત પાછો આવી ગયો હતો. ત્યારબાદ પોતાના પરિવારજનોને આ સમગ્ર ઘટનાની જાણ કરતા પરિવારજનો ફરી કમલેશને પૈસા આપવા માટે ગયા હતા. જ્યાં બંને પરિવાર વચ્ચે બબાલ સર્જાઈ હતી. એવામાં કમલેશ ગોસાંઇના પુત્ર જીગર અને જયદીપ દ્વારા સુરજ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત થયું હતું.
એક દિવસનું વ્યાજ માંગતા સર્જાઈ બબાલ : આ મામલે મૃતકના ભાઈ એવા મીર ઠાકરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે મારા પિતાએ કમલેશ ગોસાઈ પાસેથી 20,000 વ્યાજ લીધા હતા. જેનો દરરોજ 200 રૂપિયા વ્યાજ ચૂકવતા હતા. જ્યારે ગઈકાલે મારા પિતા કમલેશભાઈને પૈસા આપવા માટે ગયા હતા તો કમલેશભાઈએ આ પૈસા સ્વીકાર્યા નહોતા અને તેઓએ આજનું વ્યાજ આપવું પડશે તેવી માંગણી કરી હતી. જેના કારણે મારા પિતાએ આજનું વ્યાજ આપવાની ના પાડી હતી. ત્યારે કમલેશભાઈએ મારા પપ્પા ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે મારા પપ્પા પરત ઘરે ફર્યા હતા અને ઘરે અમને પણ વાત કરી હતી. જેના કારણે મારા મમ્મી સહિતના અમે લોકો પૈસા આપવા માટે ગયા હતા પરંતુ કલ્પેશ અને તેના પુત્રોએ ભેગા મળીને મારા ભાઈ અને મારા મમ્મી ઉપર હુમલો કર્યો હતો જે ઘટનામાં મારા ભાઈનું મોત થયું છે અને મારા મમ્મી ઇજાગ્રસ્ત થયા છે.
આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર : પોલીસ સુત્રો દ્વારા જણાવ્યા મુજબ હાલા સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. તેમજ પિતા પુત્ર સહિતના હત્યામાં સામેલ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં માત્ર 20,000 રૂપિયામાં યુવકની હત્યા કરવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. આ અગાઉ પણ રાજકોટ શહેરમાં વ્યાજખોરોના કારણે અનેક લોકોના જીવ ગયા છે. એવામાં ફરી એક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
- Usury Policeman: સુરતમાં પોલીસ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, વૃદ્ધની જરૂરિયાતનો ફાયદો ઉપાડ્યો
- Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા