રાજકોટ : મધ્યપ્રદેશના છત્તરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 1 અને 2 જૂનના રોજ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે આ કાર્યક્રમની જાહેરાત સમયે કેટલાક લોકો દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બધા વિરોધની વચ્ચે અલગ અલગ સમાજ દ્વારા રાજકોટમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્રમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે કરણી સેના દ્વારા રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને સમર્થન આપવામાં આવ્યું હતું, ત્યારે આજે રાજકોટના ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા પણ બાગેશ્વર ધામ સમિતિને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજે વિવિધ હિન્દુ સંગઠનો સાથે ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ ઘણા સમાજ દ્વારા બાગેશ્વર બાબા અને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારે અમે પણ રાજકોટ વાસીઓને મોટા પ્રમાણમાં અપીલ કરીએ છીએ કે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભાગ લે અને તેમને સાંભળવા માટે આવે. - કાના કુબાવત (ત્રિપાંખ સાધુ સમાજના આગેવાન)
સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ :આ અંગે રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય યોગીન છાણીયારે જણાવ્યું હતું કે, આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ રાજકોટ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દિવ્ય દરબારના સફળ આયોજન માટે રાજકોટના પ્રજાજનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓનો સહકાર અમને મળી રહ્યો છે. જેમાં આજે ત્રણેય પાંખના સાધુ સમાજના આગેવાનો દ્વારા અમને ટેકો આપવામાં આવ્યો છે. જેના કારણે અમે આ ત્રણે પાંખના સાધુ સમાજનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.