રાજકોટ : જસદણ તાલુકા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા હસમુખ બાવળિયા સવારે 11 વાગ્યા આસપાસ ઓફિસમાં હતા. આ સમયે પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુકાંત પટેલ અને તેમની સાથે બે અન્ય લોકો હસમુખ બાવળિયા પાસે આવેલા હતા. મધુકાંત પટેલને પાક રક્ષણ માટે લાયસન્સવાળું હથિયાર રીન્યુ કરવા તેમણે અગાઉ વિસ્તરણ અધિકારી સમક્ષ અભિપ્રાય માટે અરજી કરી હતી. આ બાબતમાં મધુકાંત પટેલે આ અભિપ્રાય તત્કાળ આપવા વિસ્તરણ અધિકારી પર દબાણ કરેલું હતું. જે બાબતની બબાલમાં મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શું હતો સમગ્ર મામલો : આ બાબતમાં વિસ્તરણ અધિકારીએ તેમને કહેલું કે, લાયસન્સ રીન્યુ કરવા માટે તેની કમિટી બેસે પછી અભિપ્રાય મળે તેમજ હમણાં તલાટીની પરીક્ષા છે. જેથી તેની કામગીરીમાં રોકાયેલા છે. વિસ્તરણ અધિકારીની આ વાત સાંભળીને મધુકાંત પટેલ ઉશ્કેરાઈ જતાં હુમલો કર્યો હતો. મધુકાંત પટેલ અને તેમની સાથે રહેલા બીજા બે શખ્સે પાઇપ વડે હુમલો કરી માર મારતા હસમુખ બાવળિયાને ઇજાગ્રસ્ત હાલતમાં પહેલા જસદણ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતા જસદણ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ વિસ્તરણ અધિકારીનું નિવેદન લઇ ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ કરી હતી.
આ પણ વાંચો :Navsari Crime: નિવૃત્ત ASIના પુત્ર પર જીવલેણ હુમલો, સારવાર મળે એ પહેલા જ શ્વાસ બંધ