રાજકોટ : ખૂબ જ ટૂંકાગાળામાં યાત્રાધામની સાથે સાથે પ્રવાસન ધામ બની ચુકેલા વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરી 2023ને શનિવારના રોજ છ વર્ષ પૂર્ણ થઈને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, ત્યારે આ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 21 જાન્યુઆરીના ઐતિહાસિક અને પાવન દિવસે ઓલ ઈન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત : ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રધાનો અને ધારાસભ્યનું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમની શરૂઆત સવારે 8 કલાકે સાંસ્કૃતિક લોકડાયરાથી થઈ હતી, ત્યારે આ કાર્યક્રમમાં 25થી વધુ કલાકારોએ લોકસાહિત્ય અને હાસ્યરસ પીરસ્યો હતો. જેમાં આ લોકડાયરાને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો.
શું શું કાર્યક્રમ રહ્યો : અહીંયા સમાંતરે જ યજ્ઞશાળામાં જિલ્લા કન્વીનરો દ્વારા હવન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટમાં જોડાનાર નવા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. ત્યારબાદ 10 કલાકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ખોડલધામ ખાતે આગમન થયું હતું. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર ખાતે મુખ્યપ્રધાનનું ટ્રસ્ટીમંડળ દ્વારા સ્વાગત કરાયું હતું, ત્યારબાદ મુખ્યપ્રધાન માં ખોડલના દર્શન કર્યા હતા. જ્યાં નરેશ પટેલે મુખ્યપ્રધાનને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મુખ્યપ્રધાન, પ્રધાનો, ધારાસભ્યો, ટ્રસ્ટીઓ, સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કરી અને ધ્વજનું આરોહણ કરી તમામ સભા સ્થળે મુખ્યપ્રધાન અને નરેશ પટેલનું ખુલ્લી જીપમાં આગમન થયું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી થઈ હતી અને ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
સન્માન કાર્યક્રમ : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ નરેશ પટેલ અને ખોડલધામ મહિલા સમિતિના હસ્તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાનના સન્માન બાદ નવનિયુક્ત પ્રધાનોના અને ધારાસભ્યને પણ ખેસ પહેરાવી સન્માન કરાયું હતું અને ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડમાં જોડાનાર નવા ટ્રસ્ટીઓનું સન્માન કરાયું હતું.
નરેશ પટેલેનો સંબંધોન : આ પ્રસંગે નરેશ પટેલે પોતાના સંબોધનમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે અને ખોડલધામને રાષ્ટ્રફલક પર પહોંચાડવાનું છે. 15 વર્ષ પહેલા આ જગ્યા પર કોઈ અસ્તિત્વ ન હતું, પરંતુ અત્યારે આપણે સૌએ રાષ્ટ્રને એક ખોડલધામ પરિસર રૂપી ભેટ આપી છે. આ તકે નરેશ પટેલે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને આભાર માન્યો અને વર્તમાન મુખ્યપ્રધાન પણ છેલ્લા એક વર્ષમાં ટ્રસ્ટને જે પ્રકારે સહયોગ આપ્યો છે તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આ પ્રસંગે નરેશ પટેલે ખોડલધામ ખાતે આગામી વર્ષ 2027માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી.