રાજકોટ:15 વર્ષ પહેલાં એક પોલીસ કર્મચારીએ એક કેદી પાસે રૂપિયા 1 હજારની લાંચ માંગી હતી. જે મામલે ACB દ્વારા છટકું ગોઠવીને આ પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસ હવે કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટ પોલીસકર્મીને આ કેસમાં દોષી ઠેરવી તેને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 8 હજારનો દંડની સજા સંભળાવી છે. જોકે, 15 વર્ષ પહેલાં લીધેલી લાંચના ગુન્હામાં પોલીસ કર્મીને સજા થતા લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આરોપી પાસે માંગી લાંચ :લાંચની સમગ્ર ઘટના વર્ષ 2007માં શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં બની હતી. દેવશી પરમાર ભક્તિનગર પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ ગિરીશ નાનજીભાઈ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ આરોપી પાસેથી પોલીસ કર્મીએ આરોપીને રાઇટીંગના ગુનામાં જેલમાં ન રાખવા તેમજ હથકડીના પહેરાવી અને તાત્કાલિક મામલતદાર સમક્ષ હાજર કરી જામીન અપાવી દેવાની વાત કરી તોડ કરવા પ્રયાસ કર્યો હતો. આ માટે પોલીસકર્મીએ આરોપી પાસેથી રુ.1,000 ની લાંચ માંગી હતી.
રંગેહાથ ઝડપાયો: પોલીસકર્મીએ લાંચ માંગવાના મામલે આરોપીએ ACB માં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ACB એ છટકું ગોઠવી પોલીસકર્મીને મામલતદાર કચેરી નજીકથી રંગે હાથે રૂપિયા 1,000 ની લાંચ લેતા પકડી પાડયો હતો. પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. 15 વર્ષ બાદ કોર્ટના જજે આ કેસ મામલે ચુકાદો આપ્યો છે.
આ કેસમાં પોલીસકર્મી રંગે હાથે રૂપિયા 1000 ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. તે સમયે તેની પાસે આરોપીના જામીન માટેના કાગળો પણ મળી આવ્યા હતા. કોર્ટે લાંચિયા પોલીસકર્મી દેવશી મેઘજી પરમારને દોષી ઠેરવ્યો હતો. જેમાં ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 8,000 નો દંડ ફટકાર્યો હતો.-- એસ.કે વોરા (રાજકોટ જિલ્લા સરકારી વકીલ)
કોર્ટનો ચુકાદો : ઉલ્લેખનીય છે કે, કોર્ટે સરકારી વકીલ એસ.કે વોરાની દલીલને ગ્રાહ્ય રાખી હતી અને લાંચિયા પોલીસ કર્મી દેવશી મેઘજી પરમારને દોષી ઠેરવ્યો હતો. ઉપરાંત કોર્ટ ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 8,000 નો દંડ ફટકાર્યો હતો. અદાલતના જજ બેબી જાદવે ચુકાદો આપી આરોપીને સજા સંભળાવી હતી. આ કેસ 15 વર્ષ પહેલા ACB દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો બંને પક્ષના વકીલની દલીલ સાંભળ્યા બાદ જજ દ્વારા સંભળાવવામાં આવ્યો હતો.
- Rajkot Crime News : ક્રાઈમબ્રાંચે કર્યો નશાકારક સીરપના વેપલાનો પર્દાફાશ
- Rajkot Crime News: રાજકોટમાં બાળકોના ઝગડામાં નાના ભાઈએ મોટા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો