વીરપુર જલારામધામ આમ તો જેતપુર તાલુકાનું એક ગામ છે. પરંતુ, વીજ પાવર બાબતે ગોંડલ સાથે જોડાયેલ હોય કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય અથવા તો વીજ બીલની ભરપાઇ કરવી હોય તો વીસ કિમી દુર ગોંડલ જ ગામવાસીઓને જવું પડે છે. વીરપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી વીજ કનેકશન માટે PGVCL દ્વારા જે તે ખેડૂતોના ખેતરમાં વીસથી પચીસ દિવસ પૂર્વે જ વીજ થાંભલાઓ નાખેલ છે. પરંતુ આ થાંભલા નાખવામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અથવા તો કામમાં દાંડાઈ કરવામાં આવી છે.
થાંભલાઓ ખેતીની સાવ પોચી જમીનમાં માત્ર દોઢ ફૂટના ખાડોઓ ખોડી દીધા તથા પોચી જમીન હોય તો થોડો ઊંડો ખાડો ખોદી તેમાં કોન્ક્રીટ કરવી પડે પરંતુ, ઉંડો ખાડો કે કોન્ક્રીટ ન કરવાના પરીણામે સામાન્ય વરસાદમાં જ ચાર વીજ થાંભલાઓ અને એક ટ્રાંસફોર્મર ધરાશયી થઈ ગયા હતાં. જેમાં ટ્રાંસફોર્મર તો ખેડૂતોને અવરજવરના માર્ગ પર પડ્યુ હોવાને કારણે ખેડૂતોને પાંચ કિમી ફરીને વીરપુર જવું પડે છે.
નીચે પડેલ ટ્રાંસફોર્મરના વીજ વાયરોમાં પાવર આવે છે કે નહીં તેની પણ જાણ PGVCL ખેડૂતોને નથી કરતું. ખેડૂતોને કોઈ ઇમરજન્સી ફોલ્ટ એટલે કે આવી રીતે વીજ થાંભલાઓ ધરાશયી થઈ ગયા તેની PGVCLને જાણ કરવી હોય તો વીરપુર સ્થિત કચેરીએ રૂબરૂ જવું પડે અને ત્યાં કોઈ સ્ટાફ ક્યારેય હાજર જ ન હોય કચેરીમાં તો રામ રાજ્ય જોવા મળે છે. જેથી જ ફોલ્ટ લખવા માટેનો એક રજીસ્ટર ટેબલ પર રાખેલ છે. જેમાં ફરીયાદીએ જાતે જ ફોલ્ટની વિગત લખીને ચાલ્યું જવાનું હોય છે. આવી સુવિધા PGVCL એ રાખેલ છે.