રાજકોટ: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે, શહેરની શાંતિની ડહોળનારા અને પોતાની ધાક જમાવવાના પ્રયાસમાં ફરી કેટલાંક અસામાજિક તત્વો સક્રીય થતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા છ જેટલી કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને કારમાંથી અલગ-અલગ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Rajkot Crime news: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, 6 જેટલી કારના કાચ તોડ્યા, એક કારમાંથી તો રિવોલ્વર પણ ચોરાઈ - રાજકોટ ન્યૂઝ
રાજકોટ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો છાકટા થયાં છે. શહેરના બે વિસ્તારમાં આવા અસામાજિક તત્વોએ કેટલીક કારના કાચ તોડીને કોહરામ મચાવ્યો છે અને કાયદાના લીરા ઉડાડ્યાં છે. કારના કાચ તોડવાથી લઈને કારમાં રાખેલી મ્યુઝિક સિસ્ટમ અને અન્ય કિંમતી વસ્તુઓની પણ ચોરી કરી છે. જ્યારે બીજી તરફ રાજકોટ પોલીસે આવા અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ઘરી છે.
Published : Nov 2, 2023, 6:58 AM IST
કારના કાચ તોડી ચોરી: શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં મોડી રાત્રે ઘર નજીક પાર્ક કરેલી કેટલીક કારના કાચ તૂટેલા હતા અને અંદર રહેલી મ્યુઝિક સિસ્ટમ ચોરવામાં આવી હતી. જ્યારે આ જ પ્રકારની ઘટના શહેરના રણછોડ નગર વિસ્તારમાં થઈ હતી. જ્યાં પણ કારના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમાંથી મ્યુઝિક સિસ્ટમ સહિતની વસ્તુઓ ચોરાયેલી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં જણાયું હતું કે, રણછોડ નગરમાં અન્ય એક કારમાંથી લાયસન્સ વાળી રિવોલ્વર પણ ચોરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાઓના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
એક કારમાંથી તો રિવોલ્વર ચોરાઈ: રાજકોટના શહેરના અલગ-અલગ વિસ્તારમાં એક સાથે છ જેટલી કારોના કાચ તોડીને ચોરી કરવાની આ ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે, રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યા બાદ પોલીસ તંત્રની નાઈટ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ લોકો આવા અસામાજીક તત્વોને પોલીસ વહેલી તકે ઝડપે અને કાયદાનું ભાન કરાવે તેવી આશા રાખીને બેઠા છે. એક તરફ આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તહેવારોની રજાઓમાં મોટાભાગના લોકો ઘરથી બહાર ફરવા જતાં હોય છે ત્યારે જો ઘર આંગણે રાખેલી પોતાની કાર જ સલામત ન રહેતી હોય તો પોતાના બંધ મકાનોની સુરક્ષાનું કોના ભરોસે તેવો પણ લોકોમાં સવાલ છે.