કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ખૂબ ગાજેલો જૂની પેન્શન યોજનાનો મુદ્દો ઠંડા બસ્તામાં પડેલો હતો. ત્યાં હવે જૂની પેન્શન સ્કીમની માગણીનો પ્રબળ સૂર રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટ સ્થિતિ વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના શરુ કરવાની ઉગ્ર માગણી કરવામાં આવી છે.
જૂની પેન્શન સ્કીમનો મુદ્દો ફરી સળવળ્યો જૂની ને નવી પેન્શન સ્કીમ : ભારતમાં કેન્દ્રીય કર્મચારી અને રાજ્યના કર્મચારીઓના જુની પેન્શન સ્કીમ બંધ કરીને નવી પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2004થી આ નવી પેન્શન સ્કીમ અમલમાં આવી છે. જેમાં જે તે કર્મચારી નિવૃત થાય ત્યારે તેને અમુક રકમ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને કોઈપણ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવતી નથી. જ્યારે જૂની પેન્શન સ્કીમમાં તેને દર મહિને પગારના રૂપે પેન્શન આપવામાં આવતું હતું. જેને લઈને આ કર્મચારીઓએ આજે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની ઉગ્ર માંગ કરી છે.
આ પણ વાંચો OPS Vs NPS: જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે શું તફાવત છે? જાણો જેમાં કર્મચારીઓને કેટલો થાય છે ફાયદો
15 વર્ષથી નવી પેન્શન સ્કીમ : જૂની પેન્શન સ્કીમ શરુ કરવા અંગે આવેદન આપવા માટે આવેલા રેલવેના કર્મચારી અરવિંદ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આજે વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અમે પણ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. આ તમામ સરકાર સરકારી કર્મચારીઓની મુખ્ય માંગ એક જ છે કે તેમને નવી પેન્શન સ્કીમમાંથી મુક્તિ આપીને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે. જ્યારે અમે હાલ સરકારને રિક્વેસ્ટ અને વિનંતી કરી રહ્યા છીએ અને અમારું આ આંદોલન શાંતિપૂર્ણ રીતે અમે ચલાવી રહ્યા છીએ.
આ પણ વાંચો વાયરલ વિડીયોમાં પેન્શન માગણીની અનોખી અદા જૂઓ
સાંસદ અને ધારાસભ્ય જૂની પેન્શન સ્કીમમાં : કર્મચારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે હાલમાં દેશના દરેક સાંસદ સભ્યો તેમજ ધારાસભ્યોને જૂની પેન્શન સ્કીમનો લાભ મળી રહ્યો છે. એમાં દેશના કર્મચારીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ પેન્શન સ્કીમના કારણે 01-04-2004 પછી જે પણ કેન્દ્રીય કર્મચારી છે અથવા સ્ટેટ કર્મચારીએ છે તેમને જૂની પેન્શન સ્કીમનો લાભ મળતો નથી. જ્યારે અમે છેલ્લા 15 વર્ષથી નવી પેન્શન સ્કીમને જોઈ રહ્યા છીએ. જેમાં આ કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય તેને ખૂબ જ ઓછી રકમ નવી પેન્શન સ્કીમમાં મળે છે. એવામાં જૂની પેન્શન સ્કીમમાં આ કર્મચારીનો જે છેલ્લો પગાર હોય તેના 50 ટકા રકમ દર મહિને આપવામાં આવતી હોય છે.