રાજકોટ શહેરમાં નહેરુનગર વિસ્તારમાં રહેતા વસીમ અને નઈમ રામોડિયા બન્ને ભાઈઓની ATS દ્વારા 2017માં ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને ભાઈઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બંને આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા છે. તેમજ તેઓ રાજકોટ નજીક આવેલ સુપ્રસિદ્ધ ચોટીલા મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી.
NIAના રાજકોટમાં ધામા, રામોડિયા બંધુઓની પૂછપરછ શરૂ - National Investigation Agency
રાજકોટ: શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં બંધ બે કેદી રામબંધુની પુછપરછ કરવાના ઉદ્દેશથી દિલ્હીની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. રાજકોટ શહેરના નહેરુનગરના રહેવાસી રામોડિયા બંધુઓને ATS દ્વારા વર્ષ 2017માં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની માહિતી મળતા તાત્કાલિક તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ NIAએ ખુંખાર ISIS આતંકવાદી મુક્તિ અબ્બાસ સમીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા છે. જેને લઈને રાજકોટની સેન્ટ્રલ જેલમાં બંધ રામોડિયા બંધુઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ સાથે તેમની પાસેથી ATS દ્વારા 90 ગ્રામ ગન પાઉડર, બેટરી જેવી બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. ATS દ્વારા બન્ને ભાઈઓ કંઈક બીજી પ્રવૃત્તિ કરે તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ રાજકોટની જેલમાં બંધ છે. બીજી તરફ NIA દ્વારા તાજેતરમાં IS સાથે જોડાયેલ કુખ્યાત આતંકવાદી મુક્તિ અબ્બાસ સમીની ધરપકડ કરી છે.
જેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, સમીએ લોકોના બ્રેઈનવોસ કરવા માટે અબુ બગદાદીના વીડિયો ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં વાઇરલ કર્યા હતા. આ સાથે તેને પાકિસ્તાન અને સાઉદી અરબ દેશોમાં વાતચીત પણ કરી હતી. આ સમગ્ર મામલામાં રાજકોટના વસીમ અને નઇમ રામોડિયા પણ ક્યાંક જોડાયેલા હોવાની શંકાના આધારે NIA દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. NIA દ્વારા આજથી આગામી 7 જૂન સુધી બન્ને ભાઈઓની પૂછપરછ હાથ ધરનાર છે. જેમાં ઘણાખરા ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે તેમ છે.