રાજકોટ :રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની સૌ કોઈએ પરિવાર અને મિત્રો સાથે ભેગા મળીને ઉજવણી કરી હતી. રાજકોટમાં પણ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં 60 કરતા વધુ લોકોને પતંગની દોરી વાગવાના બનાવ સામે આવ્યા છે, ઉપરાંત બે બાળકો પતંગ ચગાવતા સમયે છત પરથી પડ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. પરંતુ દોરી વાગવાના બનાવથી સિવિલ હોસ્પિટલમાં દોડધામ જોવા મળી હતી.
દોરીથી ઘવાયાના 60 કેસ : ઉત્તરાયણના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા 60 જેટલા લોકોની સારવાર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ કોઈને મોટી જાનહાનિ સર્જાઈ નથી. ઉપરાંત બે બાળકોને પતંગ ચગાવતા પડી જવાના કારણે ઇજા પહોંચી છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન 108 ની ટીમ ખડેપગે તહેનાત હતી. સિવિલ હોસ્પિટલમાં પણ દોરી વાગવાના બનાવને લઈને ઇમરજન્સી વોર્ડ શરૂ રાખવામાં આવ્યો હતો.
સેવાકાર્યોમાં અવ્વલ રાજકોટ : આ સાથે જ તહેવાર દરમિયાન કોઈ ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો નથી. જેને લઈને પોલીસ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે દોરાથી ઘવાતા પક્ષીઓની સેવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન દોરી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓને પણ તાત્કાલિક સારવાર મળી રહી હતી.
મીની વેકેશનની મોજ :આ વર્ષે ઉત્તરાયણ પર્વ રવિવારના દિવસે હોવાથી શનિ-રવિ એમ બે દિવસીય મીની વેકેશનનો માહોલ હતો. જેના કારણે શહેરમાં મોટાભાગના લોકો બે દિવસની રજા માણવા બહાર ફરવા જવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માત્ર એક જ દિવસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોરી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા 60 કરતા વધુ કેસ નોંધાતા સિવિલ તંત્રમાં દોડધામ જોવા મળી હતી.
- Uttarayan 2024: ભુજમાં શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ છેલ્લા 16 વર્ષથી કરી રહ્યું છે ઘાયલ પક્ષીઓની સારવાર
- Uttarayan 2024 : પતંગની દોરીથી ઈજા અને પક્ષીઓના મોતની સંખ્યામાં મોટો ઘટાડો, જૂઓ કોની મહેનત રંગ લાવી