રાજકોટ:રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. જેમ શિયાળોએ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે. એમ પ્રત્યેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.
વર્ષ 1953 થી યોજાય છે લોકમેળો:રાજકોટના મેળાનો ઇતિહાસ જોઈએ તો 1953 સુધી શહેરના વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે વર્ષ 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોક મેળો યોજવામાં આવ્યો. તેમજ આ પ્રકારના આયોજનનું 1985 માં પણ પુનરાવર્તન કરાયું હતું. વર્ષ 1986 થી સરકારી અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબદ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી રાજકોટના આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે.
2003થી રેસકોર્સ ખાતે યોજાયો લોકમેળો: રાજકોટમાં શરૂઆતથી જ લોકમેળો શાસ્ત્રી મેદાનમાં યોજાતો હતો. જ્યારે આ મેળો એટલો લોકપ્રિય બન્યો કે તેમાં વધુમાં વધુ લોકો દર વર્ષે આવતા ગયા અને ત્યારબાદ વર્ષ 2003થી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવે છે. જ્યારે આ લોકમેળાનો સમયગાળો ત્રણ દિવસથી વધારીને 5 દિવસનો કરવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી દરમ્યાન 2 વર્ષ આ લોક મેળો યોજવામાં આવ્યો ન હતો. બે વર્ષ સુધી લોકમેળો નહીં યોજવામાં આવતા સહેલાણીઓમાં ભારે નિરાશા પણ જોવા મળી હતી. ત્યારે હવે કોરોના મહામારી ગયા બાદ ફરી લોકમેળો યોજવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે રોજગારી:વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતા આ સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. ત્યારે આ વર્ષે તા. 05 થી 09 સપ્ટેમ્બર, 2023 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડી 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જ્યારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિક 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 03 પ્લોટ, 01 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે.