ખોડલધામ મહિલા સમિતિમાં સતત દોડધામ કરતા બહેનોએ રાજીનામું આપ્યા બાદ રાતોરાત કન્વીનરોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. કોઇ મોટો વિવાદ ન થાય તે માટે હાલ રાજકોટમાં વોર્ડ વાઇઝ અને ઝોનના કન્વીનરોની નવી ટીમ બનાવી દેવામાં આવી છે.
ખોડલધામમાં મહિલા સમિતિના પ્રમુખ સહિતના કન્વીનરોના રાજીનામાં - rjt
રાજકોટ: લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટનો આંતરિક વિવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. મહિલા સમિતિઓના કાર્યકર્તાઓ ટ્રસ્ટના આગેવાનોના નિશાના પર આવ્યા હતા. ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારી અને સંખ્યા એકત્ર કરવાની મુખ્ય જવાબદારી મહિલા સમિતિના શિરે હોય છે.તેમ છતાં કોઇ પણ પ્રકારનો અપજશ મળતો ન હોવાથી ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે.
ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે નાની મોટી વાતોને લઇને અણબનાવો વધ્યા અને પરેશ ગજેરાએ ખોડલધામમાંથી રાજીનામું આપ્યું હતું. આ સમયે પણ મોટો હોબાળો અને સૂત્રોચ્ચાર થયા હતા ત્યારે વધુ એક વખત પાટીદાર સંસ્થાનીમહિલા સમિતિના મુખ્ય કાર્યકર્તાઓએ રાજીનામું આપી દેતા સંસ્થાને વધુ એક ફટકો પડ્યો છે.આ સમગ્ર ધટના બન્યા બાદ જિલ્લામાંથી મહિલાઓ રાજીનામું આપે તેવી સંભાવના છે.