સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતાની સાથે જ લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. ત્યારે રાજકોટ પોલીસ એક ઉમદા કામ કરીને લોકો માટે પ્રેરણાદાયી બની છે. રાજકોટમાં આવેલી HIV સંસ્થામાં જન્મથી જ HIV ગ્રસ્ત કિશોરીની ઇચ્છા હતી કે, તે પોતાના જીવનમાં મહિલા પોલીસ અધિકારી બને. પરંતુ આ કિશોરીને HIV હોવાથી તેની આ ઈચ્છા પૂર્ણ થઈ શકે તે શક્ય નહોતું. પરંતુ સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલ દ્વારા આ કિશોરીની મહિલા પોલીસ અધિકારી બનવાની ઈચ્છા પૂર્ણ થાય તે માટે પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.
HIV ગ્રસ્ત કિશોરીની મહિલા પોલીસ અધિકારી બનવાની ઈચ્છા રાજકોટ પોલીસે કરી પૂર્ણ - Women police officer
રાજકોટ: શહેરમાં આવેલા ગુજરાત સ્ટેટ નેટવર્ક પીપલ લિવિંગ (GSNP) HIV AIDSની સંસ્થામાં રહેતી 16 વર્ષની કિશોરી જન્મથી જ HIV ગ્રસ્ત હતી. આ કિશોરીની અંતિમ ઈચ્છા મહિલા પોલીસ અધિકારી બનવાની હતી. ત્યારે આ કિશોરીની અંતિમ ઈચ્છા રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા બુધવારે પૂર્ણ કરવામાં આવી છે.
તો બીજી તરફ પોલીસ કમિશ્નર દ્વારા પણ આ પ્રકારના ઉમદા હેતુ માટેની તૈયારી દર્શાવીને આ કિશોરીને એક દિવસ માટે મહિલા પોલીસ અધિકારી બનવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં આ કિશોરી પોલીસ અધિકારીનો ડ્રેસ પહેરીને આવી હતી. આ સમય દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા આ અધિકારીને સલામી આપીને જેવી રીતે એક અધિકારી પ્રત્યે વર્તન કરવામાં આવે તે પ્રકારનું વર્તન તેની સાથે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ કમિશ્નર તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ આ કિશોરીને એક દિવસ માટે મહિલા પોલીસ અધિકારી બનવાની તક આપીને કિશોરીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં સહભાગી બન્યા હતા.