ગુજરાત

gujarat

ETV Bharat / state

જનતાના દુ:ખે દુ:ખી, સુખે સુખી રહેનાર ‘બાપા’ કેશુભાઈનું ગુજરાત પ્રત્યેનું અમૂલ્ય યોગદાન: મનોજ રાઠોડ - કુંવરબાઈનું મામેરું યોજના

રાજકારણના ભીષ્મપિતામાં એવા કેશુભાઈ પટેલને દેશમાંથી ‘બાપા’ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે પણ કેશુભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને કહ્યું હતું કે, રાજકારણની સાથે-સાથે રાજ્ય માટે પણ ‘બાપા’એ આપેલું યોગદાન અમૂલ્ય છે. તેમણે અનેક એવી યોજનાઓ આપી છે જેનો વર્ષોથી જનતા લાભ લઈને ધન્યતા અનુભવી રહી છે. આ યોજનાઓ કેશુભાઈ પટેલની જ દેન છે જેને લોકો હંમેશા યાદ રાખશે.

rjd
rjd

By

Published : Nov 1, 2020, 5:32 PM IST

  • લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે ‘બાપા’ને આપી શ્રદ્ધાંજલિ
  • કેશુ બાપાની યોજનાઓનો લાભ રાજ્યના લોકોને મળી રહ્યો છે
  • મનોજ રાઠોડે બાપા સાથેના પ્રસંગો કર્યા યાદ

રાજકોટઃ ગુજરાતના પનોતાપુત્ર, ખેડૂત અને મધ્યમવર્ગના ‘ભેરું’ તેમજ જનતાના દુ:ખે દુ:ખી અને સુખે સુખી રહેનાર રાજ્યના દસમાં મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં તેમની ખોટ ક્યારેય ભૂલાઈ શકશે નહીં. આખા દેશમાંથી ‘બાપા’ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે પણ કેશુભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, રાજકારણની સાથે-સાથે રાજ્ય માટે પણ ‘બાપા’એ આપેલું યોગદાન અભૂલ્ય છે. તેમણે અનેક એવી યોજનાઓ આપી છે જેનો વર્ષોથી જનતા લાભ લઈને ધન્યતા અનુભવી રહી છે. આ યોજનાઓ કેશુભાઈ પટેલની જ દેન છે જેને લોકો હંમેશા યાદ રાખશે.

રાજ્યમાં કેશુ બાપાની યોજનાઓ

મનોજ રાઠોડે જણાવ્યું કે, ગુજરાતમાં ગોકુળગ્રામ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, જ્યોતિગ્રામ યોજના, પાથરણાની યોજના, ખેત તલાવડી સિંચાઈ પદ્ધતિનો વિકાસ સહિતની અનેક યોજનાઓ કેશુભાઈ થકી જ અમલી બની હતી. સાથે-સાથે તેમણે આ યોજનાઓ ઘડી લીધા બાદ તેનો સચોટ અમલ થાય તેના ઉપર પણ પૂરતો ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અત્યારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તે પણ કેશુભાઈ પટેલને જ આભારી છે કેમ કે આ અંગેની નીતિ પણ કેશુબાપાએ જ ગુજરાતમાં અમલી બનાવી હતી. ખાસ કરીને અત્યારે ગુજરાતની પ્રજા નર્મદાનું પાણી પીવે છે તે પણ તેમના સુધી પહોંચાડવા માટે કેશુભાઈનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. આ ઉપરાંત ખેડૂતો સુધી નર્મદાનું પાણી પહોંચે તેના માટે પણ કેશુભાઈએ કરેલા પ્રયત્ન સફળ નિવડ્યા છે.

કેશુભાઈએ સબસીડીના ઝોનને પાંચ વર્ષ લંબાવી

પોતાની સાથે બનેલા એક પ્રસંગને યાદ કરતાં મનોજ રાઠોડ જણાવે છે કે, તેઓ લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ત્યારે 1995માં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલ કાર્યરત હતા. આ વર્ષમાં સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી GIDC મેટોડાનો સબસીડીનો ઝોન પૂર્ણ થઈ રહ્યો હતો. જેથી આ સબસીડીના ઝોનને વધારવા માટે તેઓ ગાંધીનગર ગયા હતા અને કેશુભાઈને રજૂઆત કરી હતી. રજૂઆત સાંભળ્યાની મિનિટોમાં જ કેશુભાઈએ કલમના એક ઝાટકે સબસીડીના ઝોનને પાંચ વર્ષ લંબાવી આપ્યો હતો. આમ તેમણે ઉદ્યોગોની પણ એટલી જ ખેવના કરી હોવાનું મનોજ રાઠોડ જણાવે છે.

પાથરણા યોજના

સ્વ.કેશુભાઈ પટેલ ખેડૂત અને મધ્યમવર્ગની હંમેશા પડખે રહેવામાં માનતા હતા અને આખું જીવન તેમણે લોકોની વચ્ચે રહીને જ પસાર કર્યું છે. મનોજ રાઠોડે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાતમાં વસવાટ કરતાં એક સમાજનું નામ ‘તોછડાઈ’ સાથે લેવામાં આવી રહ્યું હોવાથી બાપાને તે બિલકુલ પસંદ પડ્યું નહોતું અને તેના કારણે જ તેમણે આ સમાજને ‘સન્માનજનક’ નામ આપ્યું હતું. આજે તે સમાજ આ નામ સાથે જ જીવન વીતાવી રહ્યો છે. સાથે-સાથે આ સમાજમાં ક્રાઈમરેટ પણ બિલાડીના ટોપની માફક વધી રહ્યો હોવાથી ‘બાપા’એ પહેલાં તેને કાબૂમાં કર્યો હતો અને ત્યારપછી આ સમાજ માટે ‘પાથરણા યોજના’ લાવ્યા હતા.

બાપાએ ક્રાઈમરેટમાં કર્યો ઘટાડો

ખાસ કરીનેએ સમયે ગુજરાતમાં ક્રાઈમરેટ ફૂલ્યો ફાલ્યો રહેતો હોવાને કારણે પ્રજામાં ડર વ્યાપ્યો હતો. પરંતુ કેશુભાઈ પટેલે નીડરતાપૂર્વક ચમરબંધીઓને ભોંભીતર કરી દઈ ગુજરાતના ક્રાઈમરેટને એક ઝાટકે નીચો લાવી દીધો હતો. કેશુભાઈ પટેલ રાજ્યને શ્રેષ્ઠ બનાવવાના સ્વપ્નદૃષ્ટા હતા અને તેમણે કરેલા ખંતપૂર્વક કાર્યોથી જ અત્યારે રાજ્યનું નામ માન સાથે લેવામાં આવી રહ્યું છે. કેશુભાઈ પટેલ હંમેશા એક એવા કાર્યકર, નેતા, વડા રહ્યા છે. જેમણે પોતાના મન ઉપર ક્યારેય સત્તાના ‘કેફ’ને હાવિ થવા દેવાને બદલે જમીન સાથે જોડાયેલા રહીને કામ કરવામાં માન્યું છે. તેઓ નાના કાર્યકરથી માંડીને મોટા નેતાને સમાન જ ગણતાં હતા અને આ જ કારણથી અત્યારે જૂની પેઢીના રાજકારણીઓની સાથે સાથે નવી પેઢીના ‘નવલોહિયા’ રાજકારણીઓ પણ ‘બાપા’ને ભૂલી શકે તેમ નથી. ભગવાન દિવંગત કેશુભાઈ પટેલના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

ABOUT THE AUTHOR

...view details