સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા સરકારની ડુંગળી નિકાસ બંધીનો વિરોધ રાજકોટઃ અત્યારે ડુંગળીની નિકાસ બંધ હોવાથી ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક જગ્યાએ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં ધોરાજીના ખેડૂતો પણ જોડાયા છે. ધોરાજીના ખેડૂતોએ ગળામાં ડુંગળીના હાર પહેરી, રામધૂન બોલાવી અને પ્રાંત કચેરીએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.
ખેડૂતોને અનેક રીતે આર્થિક નુકસાનઃ ધોરાજીની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યુ હતું. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો ત્યારબાદ ખેડૂતોએ ડુંગળીનો પાક વેચવા માટે બજારમાં લાવ્યા ત્યારે હવે નિકાસ બંધી થતા ડુંગળીના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા. ખેડૂતોને બિપરજોય, માવઠા અને હવે નિકાસ બંધીથી પારવાર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. સરકાર માત્ર કાગળ પર વિવિધ જાહેરાતો કરે છે પણ સહાયનો એક રોકડો રુપિયો પણ ખેડૂતો સુધી ન પહોંચ્યો હોવાનો ખેડૂતો કહી રહ્યા છે.
ઉગ્ર આંદોલનની ચીમકીઃ ધોરાજીના ખેડૂતોએ ડુંગળી નિકાસ બંધીનો અનોખો વિરોધ કર્યા બાદ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જો સરકાર દસ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન પણ કરવાના મૂડમાં છે. ખેડૂતો કૃષિ પ્રધાન ખેડૂત તરફી હોય તો રાજીનામુ આપે તેવી માંગણી પણ કરી રહ્યા છે.
છેલ્લા 2 વર્ષથી માવઠા, વાવાઝોડા અને નિકાસબંધી જેવી મુશ્કેલીઓથી પારાવાર આર્થિક નુકસાની વેઠી રહ્યા છે. આ નુકસાનની સહાય કે વળતર ખેડૂતોને ચૂકવાયું પણ નથી. સરકાર માત્ર જાહેરાતો કરે છે. અગાઉ થયેલા નુકસાનનો સર્વે કરવા અધિકારીઓ આવ્યા નથી. જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ નહિ લાવવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન પણ કરશે...જીતેશ વઘાસિયા(ખેડૂત, ધોરાજી)
અમે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત લાભ ખેડૂતોને મળ્યા નહતા તેની રજૂઆતો પણ અમે કરી હતી. જો કે સરકાર પર રજૂઆતોની કોઈ અસર થતી નથી. સાંસદો અને કૃષિ પ્રધાન જો સાચી રીતે ખેડૂતોના હિમાયતી હોય તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. સરકારે ભૂતકાળમાં જાહેર કરેલ સહાય પણ હજૂ સુધી ખેડૂતોને ચૂકવાઈ નથી...પાલ આંબલિયા(ખેડૂત આગેવાન, ધોરાજી)
- ગોંડલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળી હરાજી ફરી શરૂ, તો લસણનો સારો ભાવ મળતા ખેડૂતોમાં આનંદો
- ગોંડલમાં ખેડૂતોનો વિરોધ યથાવત, રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવતા 10 ખેડૂતોની અટકાયત