રમેશ બકુત્રા અને ગિરધર સોલંકી નામના કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટઃ રાજકોટ કલેકટર કચેરી ખાતે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ કર્મચારીઓને ઘટના સ્થળે રહેલી પોલીસ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિ સામે આવી નથી.
અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓમાં અસંતોષ : જાણવા મળ્યાં પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા પગાર અને પીએફ જેવી બાબતો મુદ્દે ધરણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે આજે કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ રજૂઆત કરવા આવ્યા હતાં. જે દરમિયાન બે જેટલા કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો Rajkot Crime News: વ્યાજખોરોનો ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાનનો આપઘાતનો પ્રયાસ
અમૂલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેતન નથી આપવામાં આવ્યું : રાજકોટના આજી જીઆઇડીસી વિસ્તારમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં 450 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમને છેલ્લા ત્રણ મહિનાથી વેતન આપવામાં આવ્યું નહીં હોવાનું કર્મચારીઓનો આક્ષેપ છે. આ સાથે જ આ કર્મચારીઓના પીએફના પૈસા કપાય છે પરંતુ પીએફના એકાઉન્ટમાં આ પૈસા પણ જમા નથી થઈ રહ્યા. જેને લઈને છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. એવામાં કર્મચારીઓ આજે કલેક્ટર કચેરી ખાતે આ સમગ્ર મામલે રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે દરમિયાન રમેશ બકુત્રા અને ગિરધર સોલંકી નામના કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
25 મહિનાનું પીએફ જમા નથી થયું :જ્યારે આ ઘટનાને લઈને વિરોધ કરવા આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી હિતેશભાઈ હુંબલે જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ આપઘાતનો પ્રયાસ એટલા માટે કર્યો છે કે અમે છેલ્લા 20 થી 25 વર્ષ જે કંપની સાથે જોડાયેલા છીએ અને કામ કરી રહ્યા છીએ. જે કંપનીના માલિકો અને ડાયરેક્ટરો છેલ્લા ત્રણ વર્ષથી અમને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. તેમજ છ છ મહિના સુધી અમારો પગાર કરવામાં આવતો નથી. જ્યારે અમારું પીએફ પગારમાંથી કાપવામાં આવ્યું છે તે પણ હજુ સુધી જમા કરવામાં આવ્યું નથી. એવામાં અમે જે વિસ્તારમાં ભાડેથી રહીએ છીએ ત્યાંના લોકો પણ અમારી પાસે ભાડું માંગે છે. અમારે ખાવા પીવાના ખર્ચો પણ નીકળતો નથી છતાં પણ કંપનીના માલિકો દ્વારા અમારું વેતન ચૂકવવામાં આવતું નથી.
આ પણ વાંચો Attempt to commit suicide In Vadodara: વડોદરા શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં યુવકનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ
અમારો પગાર સરકાર અપાવે તેવી માંગ :જ્યારે અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે બને તેટલું જલ્દી અમારો ત્રણ મહિનાનો પગાર અમને અપાવવામાં આવે, આ સાથે જ અમારું 25 મહિનાનું પીએફ અમારા એકાઉન્ટમાં જમા કરવામાં આવે. જેના કારણે અમે લોકો અમારું ગુજરાન ચલાવી શકીએ. આ સાથે જ આ કંપનીમાં ફરીથી અમારું કામ ચાલુ કરાવે તેવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી કંપનીની બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે. એવામાં આજે કલેક્ટર કચેરી ખાતે કંપનીના કર્મચારીઓ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.