- 34 અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળતાં ખુશી
- કુંવરજી બાવળીયાના સફળ પ્રયાસો
- 34 શાળાઓમાંથી 32 શાળાઓમાં વીજળી પહોંચી છે
- ફુલઝરના 83 અને આંકડીયાના 63 બાળકોને અને શાળાના શિક્ષકોને મળશે લાભ
રાજકોટઃ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકાની 34 અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળતાં 5.76 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાના સફળ પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી કરી છે.
34 અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળતાં ખુશી
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ફુલઝર અને આંકડીયા ગામની સીમ શાળામાં પ્રથમ વખત વીજળી પ્રજ્વલિત થઈ, ત્યારે સીમ શાળાના બાળકોના વાલી એવા સીમાડામાં રહેતા માલધારી પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જસદણ અને વીંછિયા વિસ્તારના ધારાસભ્ય અને પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના પ્રધાન કુંવરજી બાવળિયાએ ફુલઝર અને આંકડીયા ગામની સીમ શાળામાં પહોંચી શાળાના વર્ગખંડમાં લેમ્પની સ્વીચ ઓન કરી ત્યારે લોકોએ વીજળીના વધામણાં કર્યા હતા.
કુંવરજી બાવળિયાનું નિવેદન
કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે રાજ્ય સરકારે બાકી રહેલી સીમ શાળાઓમાં વીજળીની સુવિધા આપવા માટે જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી વીજળીનું કનેક્શન સીમ શાળા સુધી પહોંચાડવા રુપિયા 10 કરોડની જોગવાઈ કરી હતી.