રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી જતા હરાજી બંધ
રાજકોટ: દિવાળીના તહેવારની રજાઓ બાદ લાભ પાંચમથી મોટાભાગના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખેડુતો દિવાળીની રજા બાદ મોટી સંખ્યામાં મગફળી વહેંચવા માટે આવી પહોંચ્યા હતાં. એક તરફ આજથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી જતા હરાજી બંધ
લાભ પાંચમના દિવસે ખુલ્લી બજારમાં ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો રાજકોટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતાં. આજના દિવસે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે અંદાજીત 50 હજાર જેટલી મગફળીની બોરીઓની આવક નોંધાઈ હતી. જ્યારે મગફળીની આવક વધી જતાં યાર્ડમાં મગફળી હરાજી હાલ બંધ રાખવામાં આવી છે. તેમજ જ્યાં સુધી યાર્ડમાં પડેલી મગફળીનો નિકાલ નહિં થાય ત્યાં સુધી નવી મગફળીની ખરીદી રાજકોટ યાર્ડ ખાતે બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે.