રાજકોટ : રાજ્યમાં દિવસેને દિવસે હત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી જેવી બાબત ઉશ્કેરાય જઈને હત્યાને અંજામ આપવા લાગ્યા છે. ત્યારે રાજ્યનું કહેવાતું રંગીલું રાજકોટ ફરી એક વખત રક્તરંજીત થયું છે. રાજકોટ શહેરના આંબેડકર નગર વિસ્તારમાં એક યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. સિદ્ધાર્થ મકવાણા નામનો યુવક રાજકોટ મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતો હતો. જેની વિસ્તારના જ યુવકો દ્વારા છરી મારીને હત્યા કરી છે. હાલ સમગ્ર મામલે થોરાળા પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
અંગત અદાવતમાં કરવામાં આવી હતી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, સિદ્ધાર્થ મકવાણા નામનો યુવક રાત્રીના સમયે આંબેડકર વિસ્તારમાં ઉભો હતો. તે દરમિયાન ત્રણથી ચાર જેટલા શખ્સો અહીં આવી ચડ્યા હતા અને સિદ્ધાર્થ પર હુમલો કર્યો હતો. જ્યારે ઘટનામાં યુવક પર છરી વડે હુમલો થતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુના સમાચાર વિસ્તારમાં ફેલાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. તો બીજી તરફ યુવકના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો :બોલો લ્યો, ચામાં ખાંડ ઓછી હોવાથી ગ્રાહકે દુકાનદારને મારી છરી