- 60 વર્ષથી વધુની ઉંમરના કાર્યકરોને ટિકિટ અપાશે નહીં
- 3 ટર્મ સુધી ચૂંટાયેલા વ્યક્તિઓને પણ ટિકિટ મળશે નહીં
- ભાજપના હોદ્દેદારો અને આગેવાનોના સગા સંબંધીઓને ટિકિટ મળશે નહીં
- આ નિર્ણયને કારણે રાજકોટના 10થી વધુ કોર્પોરેટર્સ નહીં લડી શકે ચૂંટણી
રાજકોટ : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે નહીં. તેમજ સતત 3 વર્ષથી ચૂંટાઈને આવતા સભ્યોને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. ભાજપ પ્રદેશ પ્રમુખના આ નિર્ણયને લઈને રાજકોટ ભાજપના 10 કરતાં વધુ કોર્પોરેટર્સ ચાલુ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે નહીં.
10 કરતા વધુ કોર્પોરેટર્સ નહીં લડી શકે ચૂંટણી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની જાહેરાત બાદ રાજકોટ ભાજપના 10 કરતાં વધુ કોર્પોરેટર્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે નહીં. જેમાં મીના પારેખ, વિજ્યા વાછાણી, રૂપા શીલુ તેમજ ડૉ. જૈમીન ઉપાધ્યાય સહીતના કોર્પોરેટર્સ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. જ્યારે બાબુ આહિર, અનિલ રાઠોડ, કશ્યપ શુકલ, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, ઉદય કાનગડ આ તમામ હાલના કોર્પોરેટર્સ છે, તેમજ ગત 3 ટર્મથી ચૂંટણી જીતી ચૂકયા છે. જેમને આગામી દિવસોમાં ચૂંટણી લડશે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે.
નવા ચહેરાઓને સ્થાન મળવાની શક્યતાઓ
પાટીલની જાહેરાત બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાંથી યુવા ચહેરાઓને ટિકિટ અપાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. જ્યારે રાજકોટમાં નીતિન ભારદ્વાજ, ડૉ. જૈમિન ઉપાધ્યાય તેમજ ઉદય કાનગડ જેવા દિગગજ નેતાઓ ગત 3 ટર્મથી ચૂંટાઈને આવતા હોય, ચાલુ વર્ષે યોજાનારા આ કોર્પોરેટર્સે સ્વૈચ્છિક સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં લડે તેવી આ અગાઉ જ જાહેરાત કરી હતી. આ અંતર્ગત રાજકોટમાં પણ ભાજપ દ્વારા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવે તો નવાઈ નહીં.
ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 3 મહત્વના નિર્ણય લેવાયા
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 06 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. જેમાં 07 હજાર જેટલા ફોર્મ આવ્યા છે. હવે જેમાંથી સંભવિત ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી કમિટીની બેઠક સોમવારના રોજ મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે યોજાઇ હતી.