- સાંઢીયા પુલ નજીક ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત
- પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
રાજકોટઃ ગોંડલ સાંઢીયા પુલ નજીક ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે. સાંઢીયા પુલ નજીકના ખુલ્લા ફાટકમાંથી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન સોમનાથ જતી ટ્રેને કારને હડફેટે લેતા કાર અડધો કિલોમીટર જેટલી ઢસડાઈ હતી.
ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત યુવકનું ઘટના સ્થળે મોત
આ અકસ્માતમાં કાર ચાલક યુવક ગોંડલના ભોજપરામાં રહેતા અને જામવાળી જીઆઈડીસીમાં ઓઈલ મિલમાં કામ કરતા સંજય ટીલાળા નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે રેલવે પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
મૃતકના પરિજનો દ્વારા આ મામલે જ્યાં સુધી ઘટના સ્થળે ગેટ મેન પોલીસ સમક્ષ હાજર ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. બીજી તરફ આ ટ્રેનને પણ ગોંડલ રેલવે સ્ટેશને રોકવામાં આવી હતી.