રાજકોટઃ એક તરફ કોરોના બેકાબૂ બન્યો છે. જ્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓ લૂંટાઈ રહ્યાનું પણ સામે આવી રહ્યું છે. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક કળશ એપાર્ટમેન્ટના ચોથા માળે 401 નંબરના ફ્લેટમાં રહેતા તુષાર ગાંડુભાઈ ભેંસદડીયાના માતા જેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.
જેમાં રાજકોટના નાણાવટી ચોક નજીક આવેલા શુભમ ક્લિનિકના બે.એચ.એમ.એસ ડૉક્ટર દિપક ગઢિયા સારવાર માટે ઘરે આવતા હતા. જેની સારવારના ડૉક્ટર દિપક દ્વારા રૂપિયા 30 હજાર લેવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન કોરોના દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડી હતી, ત્યારે ડૉક્ટર દ્વારા આ ઇન્જેક્શન પણ આપવામાં આવતા હતા અને તેના દર્દી એક ઇન્જેક્શન દીઠ રૂપિયા 7 હજાર લેવામાં આવતા હતા.
આ સમગ્ર મામલાની જાણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દર્દીના ઘરે છટકું ગોઠવામાં આવ્યું હતું અને જેવો જ ડૉક્ટર દિપક ગઢિયા દર્દીને તપાસવા માટે તુષારના ઘરે આવ્યો હતો. તે દરમિયાન દર્દીને તપાસ્યા બાદ આ દર્દીના સગાને રેમડેસિવિર ઇન્જેક્શન બતાડીને રૂપિયા 7 હજારની માગ કરી હતી. કોવિડ દર્દીના સંબંધી દ્વારા પણ ડૉક્ટરને ઇન્જેક્શનના પૈસા આપવામાં આવ્યા હતા.