રાજકોટ: એક સમય હતો જ્યારે ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનની શોધ થઈ નહોતી. તેમજ ટેલિવિઝન પણ બજારમાં આવ્યા નહોતા. તે સમયે લોકો માટે મનોરંજનનું કોઈ સાધન ન હતું. ત્યારે રેડિયો લોકો માટે એક મનોરંજનની સાથે વિવિધ વિષયો પર જ્ઞાન, સંસ્કૃતિને સાંકળતું એક માધ્યમ બન્યું હતું. આજે 69 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ લાખો શ્રોતાઓના હૃદયમાં રાજકોટ આકાશવાણી કેન્દ્ર અનેક ઉતાર-ચડાવ પછી પણ અડીખમ છે. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો આકાશવાણી સાંભળવાનું પસંદ કરી રહ્યા છે.
રેડિયો સ્ટેશનનો રોચક ઇતિહાસ:ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું હતું. જે આઝાદી બાદ સરકારને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો શુભારંભ કરાયો હતો. જયારે 1955માં રાજ્યના ત્રીજા રેડિયો સ્ટેશનની શરૂઆત રાજકોટ કેન્દ્રની થઈ. આ માટે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ, શ્રી જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરે અનેક પ્રયાસો કર્યા હતા. આજે રાજકોટ આકાશવાણી કેન્દ્રનો 70મો સ્થાપના દિવસ છે.
રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે 1 કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. રાજકોટ સ્ટેશનથી સૌપ્રથમ પ્રસારિત થનાર કાર્યક્રમ ગામનો ચોરો હતો. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને 13 જુલાઇ 1987માં 300 કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ હતી. જેના દ્વારા ખેતીવિષયક, શૈક્ષણિક અને મનોરંજક પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે. હાલ રાજકોટથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ કરવામાં આવે છે. અને રાજકોટ આકાશવાણીનું પ્રસારણ હાલ અત્યાધુનિક DRM ટ્રાન્સમીટર પરથી પણ થઈ રહ્યું છે. આકાશવાણી રાજકોટ સ્ટેશન મીડીયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કી.હર્ટઝ પરથી 800 રેડીયલ માઈલ સુધીના પ્રસારણ વડે ૪ કરોડથી વધુ વસતીને કવર કરે છે.
અનેક નવોદિત કલાકારોને આપ્યું સ્થાન: જ્યારે આકાશવાણી કેન્દ્ર રાજકોટમાં શરૂ થયું. ત્યારે સૌરાષ્ટ્રમાં એક માત્ર રેડિયો સ્ટેશન હતું. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના ગ્રામ્ય વિસ્તારના નાના નાના નવોદિત કલાકારોને પણ આકાશવાણી કેન્દ્ર તરફથી પ્લેટફોર્મ મળ્યું હતું. કાગબાપુ, દીવાળીબેન ભીલ, પીંગળશી ગઢવી, કાનજી બુટા બારોટ, ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, પ્રાણલાલ વ્યાસ સહિત અનેક દિગ્ગજ કલાકારો શરૂઆતમાં રાજકોટ આકાશવાણી કેન્દ્ર પર આવતા હતા અને પોતાની કલા રજૂ કરતા હતા. જેને લઈને તેમના સ્ત્રોતાઓમાં પણ વધારો થયો હતો. આકાશવાણી કેન્દ્રએ પણ આવા નવોદિત કલાકારોને પ્રસ્થાપિત કરીને એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. આજે આમાના કેટલાય કલાકારોને પદ્મશ્રી સહિતના અનેક મોટા એવોર્ડ પણ એનાયત થઈ ચૂક્યા છે.
એક જ વર્ષમાં 5 એવોર્ડનું સન્માન: પ્રવર્તમાન સમયમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર 69 વર્ષ બાદ પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવે છે. આ ઉપરાંત સૈનિકો, ખેડૂતો, મહિલાઓ, બાળકો અને યુવાનોમાં પણ આકાશવાણી રાજકોટ વર્ષોથી માનીતું રહ્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ટેક્નોલોજી અને સોશિયલ મીડિયામાં કદમથી કદમ મેળવીને અગ્રેસર છે. આકાશવાણી રાજકોટ કેન્દ્રને અત્યાર સુધી 30થી વધુ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. 3 વર્ષ પહેલા તો એક જ વર્ષમાં પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળતા રાજકોટનું નામ સમગ્ર દેશમાં રોશન થયું હતું. આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં કેટલાક મહત્વનાં કાર્યક્રમો જૂની પેઢી-નવી પેઢીને સાંકળે છે ત્યારે અર્થના-રત્નકણીકા, સહિયર, સંતવાણી, સોનાવાટકડી, ગામનો ચોરો, જયભારતી, યુવવાણી, બાલસભા જેવા વિવિધ કાર્યક્રમો શ્રોતાઓને આજેય મનોરંજન પૂરું પાડી રહ્યા છે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ, રાસ-ગરબા-ભજનોને આજે પણ આકાશવાણી-રાજકોટ કેન્દ્રએ જીવંત રાખ્યા છે.
- Ram Mandir Ayodhya : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાનીપતથી પહોંચશે 1 લાખ ધાબળા
- Kite Festival 2024: વાઇબ્રન્ટ ગુજરાત થકી લોકલ પતંગને મળ્યો ઉદ્યોગનો દરજ્જો