4 કરોડનો વીમો લેવામાં આવ્યો રાજકોટ:આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર યોજનાર છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારની રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. એવામાં રાજકોટમાં રેસકોસ ગ્રાઉન્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ લોકમેળાનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. આ નામકરણ માટે વિવિધ લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેના આધારે વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાનું નામ રસ રંગ રાખવામાં આવ્યું છે.
પાંચ દિવસ સુધી ચાલશે લોકમેળો: મુખ્યત્વે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્ર ભરમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળતો હોય છે. જ્યારે આવા સમયે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજાનાર છે. આ લોકમેળો પાંચ દિવસ સુધી યોજનાર છે. આ લોકમેળાના કારણે વહીવટી તંત્રને કરોડો રૂપિયાની આવક થતી હોય છે. બીજી તરફ જરૂરિયાત મંદ લોકોને પણ લોકમેળામાંથી રોજગારી મળતી હોય છે. એવામાં કોરોનાના કારણે માટે બે વર્ષે આ રાજકોટનો લોકમેળો યોજાયો નહોતો પરંતુ હવે આ વર્ષે કોરોનાના કેસ નહિવત હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા લોકમેળા યોજવાની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. વર્ષ 1984થી રાજકોટમાં સત્તત દર વર્ષે લોકમેળો યોજાય છે.
1200 કરતા વધુ પોલીસ જવાનો ખડેપગે: રાજકોટમાં યોજનાર લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે એવામાં આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકમેળામાં 1200 કરતા વધુ પોલીસ જવાનો ખડેપગે જોવા મળશે. જેમાં ડીસીપી એસીપી પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ફરજ બજાવશે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા 100 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવનાર છે એટલે કે લોકમેળામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસ અને સિક્યુરિટીના જવાનો ઘટના સ્થળે પહોંચી શકે, આ સાથે જ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રૂ.4 કરોડનો વીમો પણ લોકમેળા માટે લેવામાં આવ્યો છે. જ્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં 17 જેટલા પાર્કિંગ લોકમેળા માટે બનાવવામાં આવ્યા છે. જેના કારણે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ ગામડામાંથી આવતા લોકોને મેળામાં પ્રવેશવામાં સરળતા રહી શકે છે.
રાઇડ્સનાં ભાવમાં 10 ટકાનો વધારો:આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં ઐતિહાસિક લોકમેળો યોજાના છે. જ્યારે આ લોકમેળાની તૈયારીઓ માટે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. એવામાં આ વર્ષે રસ રંગ લોકમેળામાં 350 કરતાં વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરવામાં આવી તો 1,000 કરતા વધુ પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળશે. આ સાથે જ ખાનગી સિક્યુરિટી ગાર્ડને પણ રાખવામાં આવ્યા છે. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક જીવન શૈલીમાં એક અનેરૂ મહત્વ ધરાવે છે. તેમજ મેળા થકી વહીવટી તંત્રને જે આવક થાય છે. તેનો ઉપયોગ વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલો તેમજ ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે કરવામાં આવતો હોય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે લોકમેળામાં રાઇટ્સના ભાવમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે જે રાઇડ્સના ટિકિટના દર રૂ. 10 હતા તેના 20 થયા છે અને જે રાઇડ્સના ₹20 હતા તેના ₹30 એમ 10%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.