પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદરમાં ગ્રામજનોએ કલેક્ટરની હાજરીમાં ક્ષાર અંકુશના પ્રશ્નો, નેશનલ હાઇવેના પ્રશ્નો, વીજળીના થાંભલા, અનાજ વિતરણ તથા ગાંડા બાવળનાં કારણે રોજડા અને ભુંડનો ત્રાસ સહિત પ્રશ્નો રજુ કર્યા હતાં. પ્રાંત અધિકારી કે.વી. બાટીએ અનાજ વિતરણ, ઉજ્વલા યોજના, રાષ્ટ્રીય સંકટ મોચન યોજના, સહિતની યોજના વિશે જાણકારી પુરી પાડી હતી.
પોરબંદરમાં જનહિતકાર માટે ચિકાસા ગામે યોજાઇ રાત્રી સભા - night meeting
પોરબંદર: સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાનાં લોકો સુધી પહોંચાડવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. ચિકાસા ગામમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગામના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એન.રાઠોડે સરકારની આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડી હતી. સી.ડી.પી.ઓ.એ પુરક પોષણ, પ્રધાન મંત્રી માતૃવંદના યોજના સહિતની યોજના વિશે જાણકારી આપી હતી તથા વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ચીકાસા ગામમાં 1 હજાર છોકરાઓ સામે માત્ર 882 છોકરીઓ જ જન્મી હોવાની ચિંતા વ્યકત કરી હતી.
ફીશરીઝ અધિકારીએ મત્સ્ય ઉધોગની મહિલા મચ્છી વેચાણ સહાય, પગડીયા સહાય સહિતની યોજનાથી લોકોને વાકેફ કર્યા હતા. તાલુકા વિકાસ અધિકારી રાજુભાઇ ઉનડકટે પ્રાસંગિક પ્રવચન તથા માં અમૃતમ યોજના, કસ્તુરબા પોષણ સહાય સહિતની યોજના વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. રાત્રી સભામાં જિલ્લા તથા તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, ચીકાસા ગામના સરપંચ ગાંગાભાઇ કુછડીયા સહિત બહોળી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન તલાટી મંત્રી જીતુભાઇ ડાકીએ કર્યુ હતું.