પોરબંદરની વાત કરીએ તો પોરબંદર આમ તો મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. પરંતુ પક્ષી નગર તરીકે પણ લોકોમાં અલગ છાપ ઉભી કરી છે કારણ કે પોરબંદરમાં અલગઅલગ સ્થળે 22 જેટલા વેટલેન્ડ આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પક્ષીઓ આવી કલરવ કરતા હોય છે અને એ જોવાનો લ્હાવો અદભુત છે વિશેષમાં તો અહીં ફ્લેમિંગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.
પોરબંદર નજીક આવેલા મોકર સાગર વેટલેન્ડ 100 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. મુખ્યત્વે અહીં ફ્લેમિંગો કુંજ સહિતના કુલ 261 પ્રજાતિના યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જેમાં પેણ, બતક અને કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓ મુખ્ય છે.
મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોવાના કારણે પક્ષી પ્રેમીઓ પણ આનંદિત થાય છે અને મોકર સાગર વિસ્તારને વેટલેન્ડ જાહેર કરવા અંગે માગ કરી રહ્યા છે. પક્ષીપ્રેમીઓ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ જળ પ્લાવિત ક્ષેત્ર અને સુરક્ષિત કરવા માગ કરી રહ્યા છે અને આ માટે મોકર સાગર વેટલેન્ડ કમિટી બનાવવામાં આવી છે. મોકર સાગર કમિટીના અથાગ પ્રયત્નોથી માર્ચ 2017માં મોકર સાગરને ઈમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે.