પોરબંદરઃ શનિવારે શહેરના GIDC વિસ્તારમાં આવેલા મીરા લાઇમ નામના કારખાનામાં કોઈ દિવસ ન જોવા મળ્યું હોય તેવું નોળિયા જેવું પ્રાણી અચાનક આવી ચડ્યું હતું. આ પ્રાણીને જોઈ ત્યાં કામ કરતા કમલેશ ઓડેદરા અને હિતેશ મેર દ્વારા પ્રકૃતિ ધ યુથ સોસાયટીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ બાબતની જાણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા વન વિભાગને કરતા તાત્કાલિક પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો ડૉ. સિદ્ધાર્થ, જય પારેખ, રાહુલ મોઢવાડિયાની સાથે વન વિભાગના વન રક્ષા સહાયક મોઢવાડિયા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
શરૂઆતમાં ભંગાર દૂર કરતા કીડીખાવ નજરે પડતા સૌ કોઈ રોમાંચિત થય ઉઠ્યા હતા. સામાન્ય રીતે આ પ્રાણી જંગલમાં પણ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ પોરબંદરના શહેરી વિસ્તારમાં અને કારખાનામાં કીડી ખાવ મળી આવતા આશ્ચર્ય ફેલાયો છે. પ્રાથમિક તબક્કે આ પ્રાણી વધુ વરસાદને લીધે નદી નાળાના વહેણથી પોરબંદર તરફ આવી ચડ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવે છે.
કીડીખાઉને સામાન્ય રીતે લેટિન ભાષામાં ઇન્ડિયન પેંગોલીન તરીકે ઓળખવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ manidae છે. આ સસ્તન પ્રાણી સામાન્ય રીતે ગાઢ જંગલોમાં ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં વધુ જોવા મળતું હોય છે. નામ પ્રમાણે કીડી, ઉધઈ, જેવા નાના કીટકો તેનો મુખ્ય આહાર છે. આ પ્રાણી સમગ્ર વિશ્વ સ્તરે વિલુપ્તીના આરે છે. એક સર્વે મુજબ આ પ્રાણી દુનિયાનું સૌથી વધુ શિકાર અને દાણ ચોરી થતા પ્રાણીએમાંથી એક છે. આ પ્રાણીનો ઉપયોગ ચીનમાં સૌથી વધુ દવા બનાવવા માટે અને માસ માટે કરવામાં આવે છે. આ પ્રાણી માણસોને કોઈ પણ રીતે હાનિ પહોંચાડતું નથી. નિશાચર હોવાથી આ પ્રાણી વધુ પડતું રાત્રિના સમયમાં ખોરાકની શોધમાં નીકળે છે.
હાલ આ પ્રાણીને પોરબંદર વન વિભાગના ડૉક્ટર કંજારિય દ્વારા મેડિકલ ચેક અપ કરી ફરીથી કુદરતના ખોળે રમતું કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ ભોરસર ગામના વાડી વિસ્તારમાંથી પણ કીડી ખાઉ મળી આવ્યું હતું. આ પરથી એટલું ચોક્કસ નક્કી કરી શકાય કે, પોરબંદરના બરડા ડુંગર તથા આસપાસના જંગલ વિસ્તારમાં કીડીખાઉ જેવા દુર્લભ પ્રાણીઓની સંખ્યા સારી માત્રામાં છે.