બરડા વિસ્તારની જીવાદોરી સમાન બરડા સાગર ડેમ, વિસાવાડા ગામની ખારીબો સિંચાઈ યોજના, કોલીખડા, પાંડાવદર, દેગામ અને ઉપરકોટ સુધીની વિસ્તરણ કેનાલ યોજના ,બારવોલ સિંચાઈ યોજના, બરડા સાગર ડેમ ની કેનાલ, અન્ય નાના ચેક ડેમની મરામત અને જાળવણીનું કામ બાંધકામ પેટા વિભાગ કરે છે. અત્યારે બરડા સાગર ડેમ જર્જરિત થઈ ગયો છે. તેનું તાત્કાલિક સમારકામની જરુર હોવાનું પોરબંદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા રામદેવ મોઢવાડીયા જણાવ્યું હતું.
રબંદર સિંચાઇ વિભાગમાં અપૂરતો સ્ટાફ, બરડા સાગર ડેમની કામગીરી ઠપ્પ બરડા ડેમ વહેલી તકે રિપેર નહીં થાય તો, આ ડેમની પાળ તૂટવાથી તેના વેસ્ટવીઅરના ગેટ જોખમી પરિસ્થિતિમાં મુકાઇ શકે છે. જેના કારણે વરસાદથી ભરાયેલા કિંમતી પાણી દરિયામાં વહી જશે.તો ખેતરોમાં પણ મોટા પાયે ધોવાણ થાય એમ છે. બરડા સાગર ડેમની ઉપરવાસ અને નીચાણવાસની 60% કેનાલ સાફ કરવાની બાકી છે. સાથે બરડા સાગર ડેમ સહિત અન્ય સિંચાઈ યોજનામાં જંગલ કેટિંગ પણ કરવાનું પણ બાકી છે. આ તમામ કાર્યોને પહોંચી વળવા માટે સિંચાઇ વિભાગમાં પૂરતો સ્ટાફ નથી. માત્ર ગણ્યા ગાઠ્યાં કર્મચારીઓ અને એન્જિનીયરના સ્ટાફ થકી સિંચાઇ વિભાગ ચલાવવામાં આવે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.
ઉપરોકત તમામ કામ માટે માત્ર એક જ અધિક મદદનીશ એન્જિનીયર કાર્યરત છે. અધિક મદદનીશ એન્જિનીયર ને મદદનીશ એન્જિનીયર અને નાયબ કાર્યપાલક ઈજનેરનો એમ બંને ચાર્જ આપેલા છે. ઘેડ બાંધકામ પેટા વિભાગનું સેટ અપ ૧ નાયબ કાર્યપાલક ઈજનેર, ૪ સેકશન ઓફિસર, ૨-વર્કઆસીસ્ટન્ટ, ૧ જુનીયર કલાર્ક અને ૧ સીનીયર કલાર્કનું છે. જેની સામે નાયબ કાર્યપાલક ઈજનેરની ૩ સેકશન ઓફિસરની, ૨ વર્ક આસીસ્ટન્ટ ની અને ૧ સીનીયર કલાર્કની જગ્યા ખાલી છે. અને જુનીયર કલાર્કની જગ્યા ભરાયેલી છે. પણ તે મોટે ભાગે ૨જા ઉપર રહે છે.
આમ, એક જ એન્જિનીયર ઉપર આખી ઓફિસ ચાલે છે. જેમને એન્જિનીયરને પણ સરકારી ઉત્સવો અને મહોત્સવમાં રોકી રાખવામાં આવે છે. જેથી સિંચાઈ યોજનાની મરામતના તમામ કામો ખોરંભે પડ્યા રહે છે. જેના કારણે ખેડૂતો સહિત આખા બરડા વિસ્તારના લોકોમાં આર્થિક નુકસાની થવાની ભીતિ સર્જાઇ રહી છે. સ્થાનિકો દ્વારા આ મુદ્દે અનેક રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા નથી. ત્યારે પોરબંદરના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સ્ટાફની નિમણૂક તાત્કાલિક નહીં કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.