ગુજરાત

gujarat

ETV Bharat / state

માધવપુરના મેળામાં 16મી એપ્રિલે રાજ્યપાલ રહેશે ઉપસ્થિત - Fair

પોરબંદર: શહેરમાં આવેલા માધવપુર ખાતે છેલ્લા 510 વર્ષથી માધવરાયનો મેળો ઉજવવામાં આવે છે. આ મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને માતાજી રૂક્ષ્મણીના વિવાહમેળા તરીકે પણ ઓળખાય છે. આ મેળા દરમિયાન ભગવાનના વિવાહનો પ્રસંગ સંપૂર્ણ પરંપરાગત રીતે ઉજવાય છે. ચૈત્ર સુદ નોમથી 5 દિવસ માટે આ મેળો યોજાય છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 13, 2019, 9:48 PM IST

ચાલુ વર્ષે 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે. આ મેળાના આયોજન પાછળ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આ મેળામાં 16 એપ્રિલે રાજ્યપાલ ઓ. પી. કોહલી ઉપસ્થિત રહેશે. ઇતિહાસ મુજબ દ્વારકાધીશ શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીના વિવાહના દિવસે માતા પાર્વતીના મંદિરેથી રૂક્ષમણીનું હરણ કર્યું હતું. જે રાજાએ ભગવાનને અટકાવવાની કોશિષ કરી તેને પરાજીત કરીને ભાગતા-ભાગતા શ્રીકૃષ્ણ માધવપુર આવી પહોંચ્યા હતા અને અહીં રૂક્ષમણી સાથે લગ્ન કર્યા હતા. જે પ્રસંગની યાદ સ્વરૂપે અહીં દર વર્ષે ભગવાનના લગ્નની ઉજવણી કરવામાં આવે છે.

માધવપુરના આ મેળા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પરણવા નીકળે છે, ત્યારે વિશ્વમાં કોઈપણ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણને ન મળતું સન્માન અહીં મળે છે. માધવરાય જ્યારે પરણવા નીકળે ત્યારે ઉપસ્થિત પોલીસ જવાનો દ્વારા માધવરાયને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપીને વિદાય કરે છે. આ માટે રામનવમીના દિવસે મંડપ રોપણ કરવામાં આવશે અને 9 એપ્રિલથી 11 એપ્રિલ સુધી રાત્રીના 9 કલાકે શ્રીની વરણાંગી યોજાશે. જે નીજ મંદિરથી નીકળી બ્રહ્મ કુંડ સુધી જઈને રાત્રે 12.30 વાગે પરત ફરશે.

કડછ ગામથી ધ્વજ સહિત મામેરું પૂરવા કડછ ગામના ગ્રામજનો 17મી એપ્રિલના સવારે 11.30 કલાકે પધારશે. આ ઉપરાંત આ જ દિવસે બપોરે 2 કલાકે સામૈયાનું આયોજન પણ કરાયું છે. વિવાહોત્સવ પ્રસંગે માધવરાય નિજ મંદિરથી 4 કલાકે મધુવન સુધી જાન પ્રસ્થાન થશે અને મધુવનમાં વિવાહ યોજાશે. સાથે જ 18મી એપ્રિલના યુગલ સ્વરૂપે મધુવનમાંથી નિજ મંદિરે પ્રભુ પધારશે અને માધવપુરમાં મેળા અને વિવાહ પ્રસંગની સાથોસાથ જે 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી સાંજે 5થી 10 વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16મી એપ્રિલે રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી પધારશે.

કૃષ્ણ ભગવાનનાં લગ્ન 510 વર્ષથી માધવપુરમાં થાય છે. કડછ ગામનાં લોકો વર્ષોથી મામેરું લઇ આવે છે. માધવપુરના મેળામાં યોજાતા ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહમાં માધવરાય અને રૂક્ષ્મણીના માતા-પિતા બનવા માટે ભક્તો દ્વારા 10 વર્ષ સુધીનું બુકીંગ અગાઉથી થઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details