પોરબંદરઃ પોરબંદર ખાતે યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન તથા જિલ્લા પ્રભારી મંત્રી જવાહર ચાવડાએ વીડિયો કોન્ફરન્સ યોજી વિકાસલક્ષી કામોની સમીક્ષા સાથે કુલ 425 લાખના 158 જેટલા વિકાસલક્ષી કામો મંજૂર કરાયા હતા
રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી માળખાકિય સુવિધાઓ પુરી પાડવા કટ્ટીબદ્ધ છે. જિલ્લા આયોજન મંડળ હસ્તકના જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા કામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે, તેમ પોરબંદર જિલ્લા આયોજન મંડળની બેઠકને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહરભાઇ ચાવડાએ અમલીકરણ અધિકારીઓને તાકિદ કરી હતી.
પોરબંદરમાં વીડિયો કોન્ફરન્સથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ વધુમાં જણાવ્યુ હતું કે, છેવાડાના માનવીને પણ આંતર માળખાકિય સુવિધાઓ જેવીકે રોડ-રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વિજળી જેવી જરૂરી સુવિધાઓ મળે તે રાજ્યના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બાબત છે. આખરે ગુજરાતના ગામડા સુખી અને સંપન્ન બને તો જ રાજ્ય અને દેશનો વિકાસ શક્ય બની શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અવિરત વિકાસ કાર્યો થયા છે.
આ બેઠકમાં વર્ષ 2020-21માં વિવિધ જોગવાઇઓ અનુસાર જિલ્લાના કુલ રૂા. 425 લાખના 158 વિકાસ કામોને મંજૂર કરાયા છે. આ બેઠકમાં મંત્રીશ્રીએ વર્ષ 2018-19 અને વર્ષ 2019-20ના વર્ષ દરમિયાન સુવાયેલા કામોની પ્રગતી અંગે અમલીકરણ અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તથા પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ મોરી, તાલુકા પંચાયતના પ્રમુખ, પોરબંદર તથા છાંયા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા કલેક્ટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેક્ટર રાજેશ તન્ના, પ્રાંત અધિકારી કે.વી.બાટી, એ.જે.અસારી, જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર્સ સહિતના સબંધિત અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.