પોરબંદર : પોરબંદરમાં વાવાઝોડાને પગલે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરથી વાવાઝોડું 350 km દૂર છે, પરંતુ તેની અસર હાલ વર્તાઈ રહી છે અને દરિયામાં મોજા પણ વધુ ઊંચાઈ એ ઉછળી રહ્યા છે, ત્યારે હાલ પવનનું ભારે જોર વધી રહ્યું છે. જેમાં પોરબંદર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે. આજે પોરબંદરના ભાવસિંહજી સરકારી હોસ્પિટલ નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં બે વીજપોલ પડી ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાયો હતો.
Cyclone Biparjoy : પોરબંદરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી, બે વીજ પોલ પડતાં હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો
પોરબંદરમાં પવનનું જોર વધવાના કારણે વૃક્ષો ધરાશાયી થતાં બે વીજપોલ પડી ગયા છે. વીજપોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાતા PGVCLની ટીમ હાજરથીને તાત્કાલિક કામગીરી હાથ ધરી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડું કચ્છના નલિયા બાજુ લેન્ડ કરે તેવી શક્યતા છે.
પોરબંદરમાં વાવાઝોડાનો માહોલ : પોરબંદર સિવિલ હોસ્પિટલ નજીક ભુતનાથ મંદિર પાસે બે વૃક્ષ ધરાશાયી થયા હતા. એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો. તેમજ ભાવસિંહજી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કટર દ્વારા આ મહાકાય વૃક્ષના ટુકડા કરી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો બીડજી તરફ તાત્કાલિક PGVCLની ટીમ પણ આવી પહોંચી હતી. ભાવસિંહજી હોસ્પિટલમાં વીજ પુરવઠો ફોરવાયો છે તે અંતર્ગત કામગીરી હાથ ધરી હતી.
પોરબંદરમાં વાતાવરણમાં પલટો :બિપરજોય વાવાઝોડાની સંભાવના પોરબંદરના દરિયા કિનારે વર્તાઈ રહી છે, ત્યારે આજે વાવાઝોડું 350 km દૂર હોય અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ આજે વાતાવરણમાં તડકો જોવા મળ્યો હતો અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવી શકે તેમ છે, ત્યારે આ વાવાઝોડું દરિયા કિનારા પર થઈ પોરબંદરમાં ખતરો આંશિક રીતે ઓછો થયો હોય તેવું વર્તાઈ રહ્યું છે અને કચ્છના નલિયા બાજુ લેન્ડ કરે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.