પોરબંદર: કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલના તંત્ર તથા આરોગ્ય વિભાગની બેદરકારી અંગે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં પોરબંદરના ખારવા સમાજના અગ્રણી ગળાના કેન્સરની સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ હોસ્પીટલ સ્ટાફ દ્વારા તેમને પ્રથમ કોરોના ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવતા ટેસ્ટ માટે લઈ જવાયા બાદથી તેમનો કોઇ અતોપતો નથી. પુત્ર દ્વારા આ અંગે પૂછવામાં આવતા રિપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે તેમ કહી વધુ કોઇ માહિતી આપવામાં આવી ન હતી. થોડા દિવસો બાદ તંત્ર દ્વારા નેગેટીવ રિપોર્ટ આવ્યો છે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ દર્દીની હાલત શું છે, તેમને ક્યા દાખલ કર્યા છે તે અંગે કોઇ જાણકારી અપાઇ નહી.
કેન્સર પીડિત દર્દી અમદાવાદ હોસ્પિટલમાંથી ગાયબ, કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર પર કર્યા આક્ષેપ - porbandar latest news
પોરબંદરના એક કેન્સર પીડિત દર્દી આઠ દિવસ પહેલા પોતાના પુત્ર સાથે કેમોથેરાપીની ટ્રીટમેન્ટ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને સારવાર માટે દાખલ કરી દીધા બાદ બે દિવસ સુધી કોઇ ભાળ ન મળતા સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવ્યાના આક્ષેપો કર્યા હતા.
આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, અમદાવાદ સીવીલ હોસ્પિટલના વહીવટી સ્ટાફની એટલી હદે બેદરકારી છે કે જે પાંજરાપોળની વ્યવસ્થાને પણ સારી કહેવડાવે. દર્દીઓને દાખલ કરી દીધાના આઠ દિવસ બાદ પણ દર્દીના પુત્રને તે અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી અને હજુ સુધી દર્દી ક્યાં છે તેની પુત્રને ખબર જ નથી. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે હોસ્પિટલમાં આવી રેઢિયાળ વ્યવસ્થાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે ભારતના માનવ અધિકાર પંચ અને ન્યાયતંત્રનો સહારો લેવામાં આવશે તેવી ચેતવણી અર્જુનભાઈ મોઢવાડીયાએ આપી હતી.