- પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ 2021નું આયોજન
- DIG એસ.કે. વર્ગીસે વર્કશોપનું કર્યું ઉદ્ઘાટન
- વર્કશોપનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું
પોરબંદર : રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાન (NOSDCP)ને અનુરૂપ પોરબંદરમાં તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1એ 09 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2021 દરમિયાન જિલ્લા સ્તરે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોકડ્રીલ- 2021નું આયોજન કર્યું હતું. ઓઇલ પ્રદૂષણની ઘટનાઓ માટે પ્રતિક્રિયા, વ્યવસ્થાતંત્રની પુનઃચકાસણી માટે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાનને વધુ શ્રેષ્ઠ કરવા માટે ભારતીય તટરક્ષક દળને સમર્થ બનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
આભાસી ઘટનાની ટેબલ-ટોપ કવાયત હાથ ધરવામાં આવી
જિલ્લા હેડક્વાર્ટર નંબર 1ના કમાન્ડર DIG એસ.કે. વર્ગીસે આ વર્કશોપનુ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના નાયબ કમિશનર (કસ્ટમ્સ), જામનગરના નાયબ વન સંરક્ષક, ગુજરાત મેરિટાઇમ બોર્ડના બંદરો અને અન્ય ગૌણ બંદરોના અધિકારીઓ, પેટ્રોકેમિકલ ઉદ્યોગોના અધિકારીઓ અને અન્ય હિતધારકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. તબક્કા-1માં ઓઇલ સ્પિલની ઘટના જેવી જ આભાસી ઘટનાની ટેબલ-ટોપ કવાયત હાથ ધરવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કામાં ઓઇલ સ્પિલ એટલે કે ઓઇલ ઢોળાવાની ઘટનામાં નિયંત્રણ અને ઢોળાયેલા ઓઇલને પાછું લેવા માટે ઓનબોર્ડ ઉપલબ્ધ ઓઇલ સ્પિલ ઉપકરણોનું પ્રેક્ટિકલ પ્રદર્શન ICGS સમુદ્ર પાવકે કર્યું હતું.