પૂજ્ય રમેશભાઈ ઓઝા 31 ઓગષ્ટ 1957માં ગુજરાતમાં જન્મયા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું દેવકા ગામ તેમનું જન્મસ્થળ. ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા રમેશભાઈને કથા કહેવાની કળા તેમજ ધર્મ અને આધ્યાત્મનું જ્ઞાન વારસામાં જ મળ્યુ હતું. તેમના પિતા અને કાકા પણ કથા કહેતા હતાં. પછી અઢળક વાંચનથી રમેશભાઈએ આ જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવ્યુ. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજુલાની તત્વજ્યોતિ શાળામાં થયું અને અંગ્રેજી સાથે સ્નાતક થયા. તેમનું કોલેજશિક્ષણ મુંબઈમાં થયુ અને કોલેજકાળ દરમિયાન જ મુંબઈ સેન્ટ્રલમાં પહેલી વ્યવસાયિક કથા યોજી હતી.
કથાકાર તરીકે મુંબઈથી શરુ થયેલી યાત્રા વિદેશો સુધી વિસ્તરી અને પ્રસરી, ભાગ્યે જ એવો કોઈ દેશ હશે જ્યાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા નહીં થઈ હોય. 2018 સુધીમાં ભાઈશ્રીએ 29 દેશોમાં 460થી વધારે ભાગવત કથા, 100થી વધુ રામ કથા, 35થી વધુ નવરાત્રી અનુષ્ઠાન, 45 જેટલા ગીતા જ્ઞાન યજ્ઞ, ઉપરાંત અનેક હનુમાન ચાલિસા કથા, શિવચરિત્ર કથા કરી છે.