2 ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિના વર્ષની ઉજવણી અન્વયે રિવરફ્રન્ટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, શહેરના તમામ લોકો તનથી તંદુરસ્ત અને મનથી આનંદમાં રહેવા જોઈએ રાજ્ય સરકાર શહેરના વિકાસ માટે અનેક રૂપિયા ખર્ચે છે અને વિકાસ ઝડપી અને તાત્કાલિક થવો જોઈએ, પરંતુ પોરબંદરના જ્યુબિલી વિસ્તારના શ્રીરામ ગૌશાળા નજીક છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ ગયા છે જેનો કોઇ ઉકેલ આવ્યો નથી અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ થયો નથી.
ગાંધીના નામે સ્વચ્છતા પણ ગાંધીને ત્યાં?, PMના સ્વચ્છતા મિશનનો પોરબંદરમાં જ ફિયાસ્કો - પોરબંદર
પોરબંદર: ગાંધીજીના જન્મની 150મી જન્મ જયંતિના ભાગરૂપે બીજી ઓક્ટોબરના રોજ અનેક સ્વચ્છતાના કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ તમામ કાર્યક્રમોનો જાણે ફિયાસ્કો થયો હોય તેવું જણાઈ રહ્યું છે. પોરબંદરના અનેક વિસ્તારોમાં ગંદકીએ એટલી હદે માઝા મૂકી છે કે અહીંના લોકોમાં બીમારીએ ભરડો લીધો છે. તો આ અંગે પાલિકાની કચેરીએ જતા અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે અને ચલકચલાણા જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે લોકો ક્યાં જાય અને કોને રજુઆત કરે એ મોટો સવાલ ઉપસ્થિત થયો છે.
આ ઉપરાંત શહેરના મેમણવાડા અને વિરડી પ્લોટમાં પણ ભૂગર્ભ ગટરના પાણી છલકાયા હોવાની સમસ્યા ઉત્પન્ન થઇ છે. અને ગટરોમાં ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. જે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે અહીંના લોકોનું કહેવું છે કે, અનેક વાર રજૂઆત કરવા છતાં અહીંની સમસ્યાનો ઉકેલ થતો નથી રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા નથી તો પીવાના પાણીનું વિતરણ પણ અનિયમિત પ્રમાણમાં થાય છે જેના કારણે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે.
ત્યારે નગરપાલિકાની કચેરીએ જતા યોગ્ય જવાબ મળતો નથી તો ઘણીવાર ઓફિસરો જ હાજર રહેતા નથી. આ બાબતે ખરાઈ કરવા પાલિકાની કચેરીની મુલાકાત લેતા પ્રમુખ અશોકભાઇ જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરને પૂછો જ્યારે ચીફ ઓફિસરની ઓફિસમાં જતા ખુરશી ખાલી દેખાઈ હતી અને ચીફ ઓફિસર કોઈ મીટિંગમાં ગયા હોવાનું જણાવ્યું હતું અને અન્ય અધિકારીઓએ મીડિયા સમક્ષ કંઈપણ કહેવાની ના પાડી હતી. પ્રજાના પ્રશ્નોનો નિકાલ ન થતા લોકોમાં પણ નિરાશા વર્તાઈ રહી છે અને અધિકારીઓ ચલકચલાણાંની રમત રમી રહ્યા છે. ત્યારે લોકો સમસ્યાનું નિવારણ માટે કાગડોળે રાહ જોઇ રહ્યા છે.