ગુજરાત

gujarat

ETV Bharat / state

ડેન્ગ્યુનો ડંખ: પોરબંદરના વાળોત્રા ગામમાં ઘરે ઘરે લોકો ડેન્ગ્યુના શિકાર

પોરબંદર : રાજ્યભરમાં ડેન્ગ્યુના રોગથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને ઠેરઠેર ડેન્ગ્યુથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદર પંથકમાં પણ ડેન્ગ્યુએ અજગર ભરડો લીધો હોય તેમ સરકારી અને પ્રાઇવેટ દવાખાનાઓમાં ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો પોરબંદરના રાણાવાવ તાલુકાના વાળોત્રા ગામે ૪૦૦ થી પણ વધુ લોકોમાં ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ ગામના સરપંચ, ઉપસરપંચ સહિત ઘરે ઘરે લોકો બિમારીમાં સપડાયા છે.

By

Published : Oct 20, 2019, 10:21 PM IST

etv bharat porbandar

રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ડેન્ગ્યુએ કહેર વરસાવ્યો છે. પોરબંદર જિલ્લાના વાળોત્રા ગામે ડેન્ગ્યુએ આખા ગામને ઝપેટમાં લીધુ છે. ઘરે ઘરે ડેન્ગ્યુના કેસ પોઝિટિવ આવ્યા છે. તમામ લોકો માંદગીના બિછાને પડ્યા છે. તો વાળોત્રા ગામના ઉપસરપંચ ગોપાલભાઈના જણાવ્યા અનુસાર આ ગામની બે હજારની વસ્તી છે. પરંતુ છેલ્લા 20 દિવસમાં ઘરે-ઘરે ડેન્ગ્યુના કેસ પોઝિટિવ દેખાયા છે. આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમ બે દિવસ અગાઉ આવી હતી. પરંતુ સામાન્ય પ્રાથમિક સારવાર આપી અને દવાઓ આપી જતી રહી હતી. ગામ લોકોની માંગ એવી છે કે, આ ગામમાં જ બ્લડ ટેસ્ટ રિપોર્ટ માટે તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવામાં આવે ને ડેન્ગ્યુ માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવે 108 માં પણ ફોન કરવામાં આવે તો મુશ્કેલી પડી રહી છે.

તો પોરબંદર સહિત ઉપલેટા માણાવદર સુધી આ ગામના દર્દીઓ સારવાર અર્થે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લઈ રહ્યા છે. જ્યાં પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો હોવાના કારણે એડમીટ કરવાની મનાઈ ફરમાવે છે. તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉંચી ફી હોવાના કારણે મધ્યમ વર્ગના લોકોને તે પોસાય તેમ નથી. આથી સરકાર તાત્કાલિક ડેન્ગ્યુ સારવાર કેન્દ્ર શરૂ કરે અને ગામમાં જ આ રોગની સારવાર આપવામાં આવે. જો આમ નહીં તો આખા ગામમાં પરિસ્થિતિ વધુ બગડે તેવી સંભાવના છે.

400થી વધુ ડેન્ગ્યુ કેસ પોઝિટિવ

ETV BHARATની ટીમે આ ગામની મુલાકાત લીધી હતી. તપાસ કરતાં માલુમ પડ્યુ હતું કે, ઘર ઘરમાં પરિવારના મોટાભાગના સદસ્યો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. તો ઘણાં કુટુંબો એવા પણ છે કે, જેના તમામ પરિવારના સભ્યો ડેન્ગ્યુ પોઝિટિવ હોય અને તમામે તમામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડેન્ગ્યુ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે અને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ દર્દીઓને પૂરતી સારવાર આપવામાં તંત્ર ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. તો આ બાબતે સરકાર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details