દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પાટણ પધાર્યા પાટણ: દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પાટણની મુલાકાતે આવ્યાં હતાં. અહીં તેમણે ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક ભગવાન જગન્નાથના મંદિરની ઉત્ખનન વિધિ, જીવદયા ભવનનું લોકાર્પણ તેમજ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ભગવાન પરશુરામના જીવન આધારીત પુસ્તક અને પ્રાર્થના બુકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણીઓ, શહેરના રાજકીય, સામાજિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરીકો અને શહેરીજનો સહભાગી બન્યા હતા.
સંતાનોને સંસ્કાર આપવાની કરી હાકલ: આ પ્રસંગે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે સનાતન ધર્મને સાચવવા આવનારી પેઢીને સંપત્તિ નહીં પરંતુ સંસ્કાર આપવા હાંકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે , આપણી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે નાલંદા વિદ્યાલયને આગ લગાડવામાં આવી હતી. જે આગ ત્રણ મહિના સુધી ચાલી હતી છતાં દેશમાંથી આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ નષ્ટ થયો નથી.
પાંખી હાજરીને લઈ બ્રાહ્મણોને માર્મિક ટકોર: સનાતન ધર્મને બચાવવા અને તેના રક્ષણ માટે સંતાનોને સંસ્કાર આપવા અનુરોધ કરી આજના આ કાર્યક્રમમાં પાંખી હાજરીને લઇ પણ તેમણે માર્મિક ટકોર કરી હતી. વધુમા તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિજ્ઞાથી પરિપૂર્ણ છે, જેના થકી ભારતને ભારત કહેવામાં આવે છે. આપણું જ્ઞાન-વિજ્ઞાન એ ભારતને ભારત સિદ્ધ કરે છે.
જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ભગવાન પરશુરામના જીવન આધારીત પુસ્તક ઉપર પિયુષભાઇ આચાર્યએ પ્રકાશ પાડી જણાવ્યું હતું કે, આ પુસ્તક શાળાઓમાં આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ ભગવાન પરશુરામના જીવન ચરીત્રથી અવગત બને.આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ શંકરાચાર્યનું પૂજન કરવામાં આવ્યુ હતું.
- જીવન કલ્યાણકારી તમામ વસ્તુઓમાં ધર્મ હોવો જોઈએ : જગદગુરુ શંકરાચાર્ય
- શંખેશ્વરને જોડતો રૂની મુજપુર માર્ગ ખખડધજ હાલત તો જૂઓ, તંત્ર આળસ ખંખેરે તેવી સ્થાનિકોની માગ