પાટણ: શહેરના ગૌરવ પથ પર મુખ્ય પોસ્ટ ઓફિસ અને બોમ્બે મેટલ સ્કૂલ પાસે આડેધડ શાકભાજીની લારીઓ વર્ષોથી ઉભી રહે છે. જેને કારણે આ રોડ પર ટ્રાફિક અવરોધાય છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસના કામકાજ અર્થે આવતા-જતા ગ્રાહકો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષના આગમન પૂર્વે પાટણમાં શાકભાજીની લારીઓ દૂર કરાઈ - પ્રદેશ ભાજપ અધ્યક્ષ
પાટણ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસેના ગૌરવ પથ ઉપર ઉભી રહેતી શાકભાજીની લારીઓ રાહદારીઓ અને વાહનચાલકો માટે ત્રાસરૂપ બની છે. આ લારીઓને દૂર કરવા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નહોતી, ત્યારે ગુરુવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટણની મુલાકાત લેવાના છે. જેને ધ્યાનમાં રાખીને તંત્રએ આ તમામ લારીઓ દૂર કરી છે.
આ દબાણ રૂપ લારીઓના અડિંગાને દૂર કરવા અગાઉ નગરપાલિકા અને વહીવટી તંત્રના સત્તાધીશો સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં તેનો કાયમી કોઈ ઉકેલ આવ્યો નહોતો, ત્યારે ગુરુવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાટણની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના કાફલા સાથેની રેલી આ રોડ પરથી પસાર થશે. જેથી તંત્રએ કડક વલણ અપનાવી આ ગૌરવ પથ પર ઉભી રહેતી આશરે 50થી વધુ શાકભાજીની લારીઓને ખસેડી માર્ગ ખુલ્લો અને સ્વચ્છ કર્યો છે.
તંત્રની આ કામગીરી જોઈ શહેરીજનો કહી રહ્યા છે કે, ટ્રાફિકને અવરોધતી આ લારીઓ કાયમી રીતે દૂર કરવામાં આવે તો પોસ્ટ ઓફિસના ગ્રાહકો અને શાળાના શિક્ષકોને પડતી તકલીફનો ઉકેલ આવી શકે અને વાહન ચાલકો પણ ટ્રાફિકમાં અટવાયા વિના સરળતાથી પસાર થઈ શકે. જેથી જે રીતે પ્રદેશ અધ્યક્ષની સરભરા કરવા કામગીરી કરવામાં આવી તે રીતે શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી કાયમ આ રીતે કામગીરી કરવામાં આવે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.