● વ્યાજ ખોરોના ત્રાસથી વ્યાપારી પરિવારે છોડ્યું હતું ઘર
● વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી આપતાં હતાં ધમકીઓ
● વેપારીના પિતાએ 12 વ્યાજખોરો સામે નોંધાવી હતી ફરિયાદ
● ફરિયાદ બાદ પોલીસ ગણતરીના કલાકોમાં પરિવારને હેમખેમ પરત લાવી
વેપારીના પિતાએ 12 વ્યાજખોરો સામે નોંધાવી હતી ફરિયાદ પાટણઃ પાટણમાં પશુ દવાની એજન્સી સાથે સંકળાયેલા શૈલેષભાઈ પટેલે 12 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 50 લાખ વ્યાજે લીધાં હતાં. વ્યાજ સાથેની આ રકમ ચૂકતે કરી દીધી હોવા છતાં સવા ટકાના બદલે ઉચ્ચ વ્યાજની માગણી કરી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી આ વ્યાજખોરો તેમના ઘરે આવી ધાકધમકીઓ આપી વધુ પૈસાની માગણી કરતાં હતાં. તેથી વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બનેલ વેપારી પત્ની અને બે પુત્રીઓ સાથે અજ્ઞાત સ્થળે જતાં રહ્યાં હતાં. દરમિયાન વેપારીના પિતા શંકરભાઈએ તેમનો સંપર્ક કરતા મોબાઈલ બંધ આવતો હતો. જ્યારે વેપારીની પત્ની શોભાબેન whatsapp મેસેજ ચેક કરતાં 12ા વ્યાજખોરોના નામ સાથે તેમના ત્રાસથી ઘર છોડી અજ્ઞાત સ્થળે જતાં રહ્યાં હોવાનો મેસેજ જોવા મળ્યો હતો. તેથી શંકરભાઈએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.
● પોલીસ દ્વારા વેપારી અને પરિવારની કરાઈ રહી છે પૂછપરછઆ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ તાબડતોબ પોલીસની વિવિધ ટીમો બનાવી અજ્ઞાત સ્થળે જતા રહેલા વેપારીના પરિવારને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં. ગણતરીના કલાકોમાં તેમનું લોકેશન મેળવી તેમને પરત પાટણ પોતાના ઘરે લાવવામાં આવ્યાં હતાં અને પૂરતું રક્ષણ આપવાની વેપારી પરિવારને ખાતરી આપી હતી. જિલ્લા પોલીસ વડાએ આ બનાવને ગંભીર ગણાવી જણાવ્યું હતું કે પોલીસ દ્વારા હાલમાં આ વ્યાપારી પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વ્યાજખોરો સામે નવા કાયદા મુજબ પગલાં ભરી જરૂર જણાશે તો પાસાની કાર્યવાહી પણ કરવામાં આવશે.●
દસ દિવસથી વ્યાપારી માનસિક રીતે હતપ્રત બન્યો હતો વ્યાજખોરોના ત્રાસથી છેલ્લા કેટલાક દિવસોથી અજ્ઞાત સ્થળે જતા રહેલા વેપારીની પત્નીએ જણાવ્યું હતું કે પતિએ કોની પાસેથી પૈસા લીધાં છે તેની પરિવારને કોઈને જાણ ન હતી. પરંતુ છેલ્લા દસ દિવસથી તેઓ માનસિક રીતે હતપ્રત બની ગયાં હતાં અને વ્યાજખોરો ઘરે આવી તેમ જ ફોન ઉપર ધમકીઓ આપતા હતાં તેથી તેઓના ત્રાસથી ઘર છોડવું પડ્યું હતું.ધંધો બચાવવા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરિવારને ઘર છોડવું પડયું હતું. પરંતુ પોલીસની સમયસરની કામગીરીને લઇ વ્યાજખોરોના ત્રાસથી ગભરાયેલો પરિવાર કોઇ અઘટિત પગલું ભરે તે પહેલા તેઓને હેમખેમ ઘરે પરત લાવવામાં આવ્યાં હતાં.