પાટણઃ નોવેલ કોરોના વાઇરસની મહામારીને નાથવા ડૉક્ટર્સ સહિતનો મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ જીવના જોખમે COVID-19 પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે તેઓને સંક્રમણનું જોખમ ઘટે તે માટે તૈયાર કરવામાં આવેલા ‘ધાર-બૉટ’ રોબોટનો જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ડેમો કરવામાં આવ્યો હતો.
કૉલેજ સંકુલમાં ચાર ડમી પેશન્ટ્સને રૉબોટ દ્વારા દવા અને પાણી પહોંચાડી તેનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. સંપર્કથી ફેલાતા આ વાઇરસના ચેપની શક્યતાઓ ઘટાડવા ઉપયોગી ‘ધાર-બૉટ’ રોબૉટ સંપૂર્ણપણે ‘ટચ-ફ્રી’ છે. બ્લ્યુટુથ ટેક્નોલોજીથી સજ્જ મોબાઈલ એપ્લિકેશનથી સંચાલીત રોબૉટ થકી દર્દીઓને દવા, પાણી અને ભોજન સહિતની વસ્તુ પહોંચાડવી સરળ બનશે. બેટરી ઑપરેટેડ ‘ધાર-બૉટ’ પર લગાવવામાં આવેલા 360 ડીગ્રી વ્યુ કેમેરાથી ડૉક્ટર્સ તેમના વોર્ડમાં બેસીને આઈસોલેશન વોર્ડનું ઓબ્ઝર્વેશન પણ કરી શકાશે. સાથે સાથે ‘ધાર-બૉટ’માં લગાવવામાં આવેલા સ્પીકર્સથી ડૉક્ટર આઈસોલેશન વોર્ડમાં રહેલા દર્દીને સૂચના પણ આપી શકશે.