ગુજરાત

gujarat

ETV Bharat / state

Taluka Panchayat Election : પાટણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના 12 સભ્યોએ કર્યો બળવો - પાટણ જિલ્લા ભાજપ

પાટણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થતા જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયુ છે. કારણ કે ભાજપના 12 બળવાખોર સભ્યોએ વિપક્ષના ઉમેદવારને વોટ આપતા ભાજપને સત્તાથી હાથ ધોવા પડ્યા હતા. જોકે જિલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક આ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જુઓ પાટણ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના લેખાજોખા

Taluka Panchayat Election
Taluka Panchayat Election

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 10:34 PM IST

પાટણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના 12 સભ્યોએ કર્યો બળવો

પાટણ :જિલ્લામાં આજે યોજાયેલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેડ વિરુદ્ધ મતદાન કરવા બદલ પાટણ જિલ્લા ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા સાંતલપુર તાલુકાના નવ સભ્યો, બે સક્રિય કાર્યકર તેમજ હારીજ તાલુકા પંચાયતના એક મહિલા સભ્ય મળી કુલ 12 લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું : સાંતલપુર તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો પૈકી 12 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે અને 6 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે બીજા અઢી વર્ષ માટે પ્રમુખ પદ અનુસૂચિત જાતિ વર્ગની મહિલા માટે અનામત છે. આથી ભાજપના 12 સભ્યોમાંથી એક પણ સભ્ય અનુસૂચિત જાતિ વર્ગનો ન હોવાને કારણે કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું છે. સાંતલપુર તાલુકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના અનુસૂચિત જાતિ વર્ગના મહિલા કંકુબેન લાલાભાઈ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા.

સાંતલપુરમાં 9 સભ્યો સસ્પેન્ડ : સાંતલપુર તાલુકાના ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીમાં બે ભાગ પડ્યા હતા. ઉપપ્રમુખ માટે ભાજપના બે ઉમેદવારોએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મલેક મદીનાબેન અને આહીર રૈયાબેન દ્વારા ઉપપ્રમુખ પદ માટે તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ રજૂ કર્યું હતું. વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આહિર રૈયાબેનને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. જેઓને ભાજપના ત્રણ મત અને કોંગ્રેસના ચાર મત એમ કુલ સાત મત મળ્યા હતા. જ્યારે ભાજપમાંથી ચૂંટાયેલા 9 સભ્યોએ ભાજપના મેન્ડેડ વિરુદ્ધ મતદાન કરી મલેક મદીના બેનને મત આપી વિજય બનાવ્યા હતા.

જિલ્લા ભાજપ દ્વારા કુલ 12 સભ્યોને સસ્પેન્ડ

હારીજ તાલુકા પંચાયત : આ ઉપરાંત હારીજ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપમાંથી ચૂંટાયેલા અડિયા બેઠકના મહિલા સભ્ય ઠાકોર હેતલબેને પક્ષ વિરુદ્ધ મતદાન કરી કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને મત આપતા હારીજ તાલુકા પંચાયત પણ ભાજપને ગુમાવી પડી હતી. આથી હારીજ તાલુકા પંચાયતના અડિયા બેઠકના મહિલા સભ્યને પણ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ભંગાણ :પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં તાલુકા પંચાયતના ભાજપના નવ સભ્યોએ બળવો કર્યો હતો. નવ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ વિરુદ્ધ મતદાન કરતા સાંતલપુર તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ભાજપને સત્તાથી હાથ ધોવા પડ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના મેન્ડેડ વિરુદ્ધ 9 સભ્યોએ મતદાન કરી પોતાનું ધાર્યું કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યોએ પાર્ટી વિરુદ્ધ મતદાન કરી બળવો કરતાં સાંતલપુર તાલુકા ભાજપમાં બે ભાગ પડી ગયા હતા. સાંતલપુર તાલુકામાં પાર્ટી વિરુદ્ધ બળવો કરનાર 9 સભ્યો અને બે સક્રિય સભ્યોને પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

12 બળવાખોર સભ્યો : જિલ્લા ભાજપ દ્વારા કુલ 12 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ચૌધરી સકતાભાઈ ખેતાભાઈ, મલેક મદીનાબેન ઈમરાનભાઈ, ઠાકોર બાબુભાઈ વાઘાભાઈ, મલેક હીનાબેન સામતભાઈ, ઠાકોર સામતભાઈ ઇશ્વરભાઈ, આયર શાનુબેન હીરાભાઈ, આયર વિરમભાઈ ભીખાભાઈ, ઠાકોર મફાભાઈ સવશીભાઈ, ચૌધરી ભાવનાબેન રમેશભાઈ અને ઠાકોર હેતલબેન ઉદાજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત સાંતલપુર તાલુકા ભાજપના કોષાધ્યક્ષ મલેક ઇમરાન રસુલ અને સક્રિય સભ્ય મલેક રસુલખાન રહેમત ખાનને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  1. Patan Jilla Panchayat : પાટણ જિલ્લા પંચાયતમાં સૌથી નાની વયના મહિલા પ્રમુખ ચૂંટાયા, ઉપપ્રમુખ કોણ બન્યું જાણો
  2. Patan Municipality : પાટણ નગરપાલિકામાં બીજા ટર્મ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે મહિલાઓ ચૂંટાઈ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details