પાટણ: શહેરમાં અનાધાર વરસાદ વરસતા મહોલ્લા, પોળો સહિતના મુખ્ય માર્ગોની હાલત ખરાબ બની ગઇ છે. મગરની પીઠ સમાન બનેલા હિંગળાચાચરથી જુનાગંજ તરફ જવાનો માર્ગ, જનતા હોસ્પિટલ માર્ગ, કસાવાડાથી મીરા દરવાજા તરફનો માર્ગ, દોશીવટથી ગંજશહીદ પીરનો માર્ગ, કાલી બજાર, રાજકાવડો, બુકડી, સલવિવાડા, રાજમહેલ રોડ સહિતના માર્ગો પણ વરસાદી પાણીના કારણે ધોવાણ થતાં માર્ગો પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. જેને લઇ અહીંથી પસાર થતા વાહનચાલકોની સ્થિતિ કફોડી બની ગઇ છે.
ઐતિહાસિક નગરી પાટણ હવે બની ખાડા નગરી, જુઓ રોડ રિપોર્ટ - heavy rains in Patan
પાટણમાં અવિરત પડેલા ભારે વરસાદને પગલે શહેરમા મોટા ભાગના માર્ગોનું ધોવાણ થવાથી ઠેર ઠેર ખાડા પડ્યાં છે. જેને લઇને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આવા માર્ગ ઉપરથી પસાર થવું પણ વાહન ચાલકો માટે દુષ્કર બન્યું છે.
કેટલાક વાહનો ખાડામાં પટકાતા નુકસાનગ્રસ્ત પણ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, તો બીજી તરફ દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાઈ ઇજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો પણ બન્યા છે. જ્યારે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે વિવિધ ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને કારણે ટૂંકાગાળામાં માર્ગોનુ ધોવાણ થતાં માર્ગો બિસ્માર બન્યા છે. નગરપાલિકા તંત્ર તાકીદે આ બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.
પાટણ શહેરના બિસ્માર માર્ગો બાબતે પાટણ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટમાથી રૂ.5 કરોડના ખર્ચે નવીન ડામર રોડ રિસરફેશિંગ કામના વર્ક ઓડર આપી દેવાયા છે. ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં જે માર્ગો નથી બનવાના પણ ચોમાસામાં તૂટી ગયા છે, તેવા માર્ગોના રિપેરીગ માટે રૂ. દોઢ કરોડના વર્ક ઓડર પણ આપી દેવાયા છે. જે કામ ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે. હાલમાં નગરપાલિકા દ્વારા તૂટેલા માર્ગો પર માટી અને બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાટણમાં ખખડ પાંચમ બનેલા માર્ગોને લઈ ઐતિહાસિક નગરી હવે ખાડા નગરીમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યાં છે.