સિદ્ધપુર તાલુકાના ગણવાડામાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો છૂટક મજૂરી કરી જીવનનિર્વાહ કરે છે. સમાજ દ્વારા જેની અવહેલના કરવામાં આવે છે. તેવા વાદી, ડફેર, બજાણિયા જેવી જ્ઞાતીના આ પરિવારો વર્ષોથી હિજરત કરતા આવ્યા છે. સ્થાયીકરણના અભાવે આર્થિક ઉપાર્જન અને બાળકોના શિક્ષણ સહિતના પ્રશ્નોના કારણે આ પરિવારો આર્થિક અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયા છે.
વિચરતી જાતીના આ પરિવારોનું સ્થાયીકરણ થાય અને તેમની પાયાની જરૂરિયાતો સંતોષાય તે માટે સતત પ્રયત્નબદ્ધ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વહિવટીતંત્ર દ્વારા આ પરિવારોના જરૂરી સાધનીક કાગળો એકત્ર કરી તેમના રેશનકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા. ગણવાડા ખાતે રૂબરૂ હાજર રહી આ પરિવારોની વસાહત ખાતે જિલ્લા કલેક્ટરે 43 જેટલા પરિવારોને રેશનકાર્ડનું વિતરણ કર્યું હતુ. આ ઉપરાંત વસાહતમાં પાણીની પાઈપલાઈનના અભાવે પડતી મુશ્કેલી પડતી હોવાની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે પાઈપલાઈન નાંખવા સ્થળ પર જ મંજૂરી આપી હતી.