પાટણઃ રાજ્ય સરકારના જળસંચય અભિયાનને સાર્થક કરવા તેમજ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ પૂર્વે તાજેતરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રિ-મોન્સૂન પ્લાનની સમીક્ષા બેઠક સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના આનંદ સરોવર વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાનમાં લઇ વરસાદી પાણીના નિકાલ માટે તેમજ વરસાદી પાણીનું જળ સંચય થાય તે હેતુથી આનંદ સરોવરને એક મીટર ઊંડુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણમાં પ્રિ-મોન્સૂન પ્લાનના ભાગરૂપે આનંદ સરોવર ઊંડું કરવાની કામગીરી શરૂ - વરસાદી પાણીનો સંગ્રહ
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇને શહેરની મધ્યમાં આવેલા આનંદ સરોવરને ઉંડુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન પ્લાનના ભાગરૂપે સૂકાભઠ થઈ ગયેલા સરોવરને પુનઃ જીવિત કરવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે હેતુથી જેસીબી મશીન વડે ખોદકામ શરૂ કરાયું છે.
ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ત્યારે સંભવિત અતિવૃષ્ટિને ધ્યાનમાં લઇ હાલમાં આનંદ સરોવરને જેસીબી મશીન વડે ત્રણ ફૂટ ઊંડુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચાણસ્માના ઈજારદાર દ્વારા 100 ટકા સ્વખર્ચે કરવામાં આવી રહી છે.
આનંદ સરોવરમાં જેસીબી મશીન વડે તળાવને ઉંડુ કરી તેની માટીને અન્ય સ્થળે મોકલવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ પ્રિમોન્સૂનનો એક્શન પ્લાન હાથ ધરવામાં આવ્યો છે.