પાટણ : શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો પર છાસવારે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. વાહન ચાલકો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાના વાહનો હંકારી અકસ્માતો સર્જે છે. જેમાં મહામૂલી જિંદગીઓ અકાળે મોતને ભેટે છે, ત્યારે આવો જ એક અકસ્માતની ઘટના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક બનવા પામ્યો હતો. જેમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે તો અન્ય કેટલાક લોકો ગંભીર ઈજાઓ થઈ હતી.
પંચાસરા નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત :અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દુર્ગી (ધરજી) ગામે રહેતા હિંમતભાઈ અજમલભાઈ પઢારને રાજસ્થાનના સુંધા ચામુંડા માતા મંદિરે બાધાની માનતા હતી. તેથી તેવો બે ઇકો એક સ્વીફ્ટ થતા એક પીકપ ડાલુ સહિતના ચાર વાહનોમાં પરિવારના સભ્યો સાથે ગત તારીખ 22 મીના રોજ સુંધા ચામુંડા મંદિરે બાધા પૂર્ણ કરવા ગયા હતા. બાધા પૂર્ણ કરી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓની અલગ અલગ ગાડીઓ હાઇવે માર્ગ પર લાઈન બંધ પસાર થઈ રહી હતી.
અકસ્માતમાં 1 નું મૃત્યુ : આ ગાડીઓ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવતી લક્ઝરી બસના ચાલકે પોતાની લક્ઝરી તે હંકારી ઈકો ગાડીને ટક્કર મારતા ગાડી ફંગોળાઈને સામેથી આવતી અન્ય એક લક્ઝરી સાથે અથડાતા ઈકો ગાડીમાં સવાર તમામ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે પરિવારની અન્ય ગાડીઓ સાઈડમાં ઉભી રહીને ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે શંખેશ્વર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઇકો ગાડીના ચાલક ગલબાભાઈ પઢારને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.