પાટણઃ શહેરના વિશ્વ પ્રસિદ્ધ પટોળાના ઇતિહાસ પર નજર કરીએ તો અગિયારમી સદીમાં પાટણએ ગુજરાતની પ્રાચીન રાજધાની હતી. તેનો વિસ્તાર ભારતના 70 ટકા ભાગમાં વિસ્તરેલો હતો. તે સમયના પાટણના રાજા કુમારપાળ રોજ એક નવું પટોળુ પૂજામાં વાપરતા હતા. આ માટે તેઓએ મહારાષ્ટ્ર શહેરના 700 પરિવારોને પાટણમાં લાવ્યા અને ત્યારથી આ પરિવારોએ પાટણને પોતાની કર્મભૂમિ બનાવી પટોળાનો વ્યવસાય શરૂ કર્યો હતો.
ડિસ્કવર ઈન્ડિયા: વિશ્વની આગવી ઓળખ પાટણના પટોળા - ગુજરાતી ફિલ્મોમાં પટોળા ઉપર ગીતનું ફિલ્માંકન
હસ્તકલા ક્ષેત્રે પાટણના પટોળા સદીઓથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. અગિયારમી સદીમાં પાટણના રાજાએ હસ્તકલાના કસબી એવા સાલવી પરિવારોને પાટણમાં વસાવી તે સમયના રાજા મહારાજા અને રાણીઓના ઉપયોગ માટે હાથ વણાટથી તૈયાર થતાં આ પટોળા સદીઓ બાદ તેની ચમક અને દમક જાળવી રાખી છે. વિશ્વ ફલક પર ચમકેલી રાણીની વાવ નિહાળવા આવતા દેશ-વિદેશના પર્યટકો આ પટોળા નિહાળી તેની બારીક હાથકારીગરી જોઇ આશ્ચર્યચકિત બને છે.
ગુજરાતના ઐતિહાસિક અને પ્રાચીન શિલ્પ સ્થાપત્યો તથા હસ્ત કલા કારીગીરીને ઉજાગર કરી વધુમાં વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે તે માટે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા તૈયાર કરાયેલા ખૂશ્બુ ગુજરાત કી ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં પણ આ પટોળાને સ્થાન મળ્યું છે. જેથી પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવને જોવા આવતા દેશ-વિદેશના પર્યટકો આ પટોળું નિહાળવાનું ચૂકતા નથી અને તેની હાથ વણાટ સાથેની હસ્તકલા જોઈ અભિભૂત બને છે. પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતાઓ, અભિનેત્રીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, દેશના અગ્રણી રાજકારણીઓ પાટણની મુલાકાત વખતે આ પટોળું નિહાળી તેની ખરીદી કરે છે.
મહારાષ્ટ્રના જાલના શહેરમાંથી સદીઓ પૂર્વે પાટણમાં આવી વસેલા અને પેઢી દરપેઢી પટોળાના કસબને જાળવી રાખનાર હાલના ટેકનોલોજીના યુગમાં પણ વારસાગત આ કારીગીરીને જાળવી રાખી છે. પરિવારના ઉચ્ચ અભ્યાસ કરેલા અને ડિગ્રીધારી યુવાનો પણ પટોળા બનાવવામાં માહિર છે. પટોળા બનાવવામાં માહિર એવા ભરતભાઈ સાલવીના પરિવારને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ સહિત અન્ય એવોર્ડથી તેમનું બહુમાન કરવામાં આવ્યુ છે. ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા પણ આ પ્રસિદ્ધ પટોળાની ટપાલટિકિટ વર્ષ 2002માં બહાર પાડવામાં આવી હતી.
રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય સાથે સાલવી પરિવારોએ હસ્તકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પટોળાનું નામ ગૌરવવંતુ કર્યું છે. જેને લઇ ગુજરાતી ફિલ્મોમાં પટોળા ઉપર ગીતનું ફિલ્માંકન થયું છે. આવા હસ્તકલાના બેનમૂન નમૂના પટોળાને જોવો એક લાભ સમાન છે.