ગુરુગાદી ઉપર શ્રદ્ધાળુ ભક્તોનું ઘોડાપૂર પાટણ : ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે પાટણ શહેરની વિવિધ ગુરુગાદી ઉપર વહેલી સવારથી જ શ્રદ્ધાળુ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સેવકોએ વિવિધ ગુરુગાદીઓ ઉપર જઈ ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના પંચમુખી હનુમાન ગુરુગાદી ઉપર દર્શન માટે સેવકોની લાંબી કતારો સર્જાઇ હતી.
અઘોરી બાવા ગાદી :પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ અઘોરી બાવાની અખાડાની જગ્યામાં શ્રી પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ જગ્યા ઉપર અઘોરી બાવાની ગુરુગાદી પણ આવેલી છે. અઘોર પંથના અનેક તપસ્વીઓ આ ગાદી ઉપર બિરાજમાન થઈ અઘોર પંથને આગળ ધપાવી તપસ્યાઓ કરી હતી. આ ગાદી ઉપર અત્યાર સુધીમાં 11 અઘોરીઓએ તપસ્યા કરી શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ હર્યા છે.
દર્શન માટે લાંબી કતારો :ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે પંચમુખી હનુમાન મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે પાદુકા પૂજન નર્મદાગીરી ગુરુ મહારાજ સહિતના ગુરુ મહારાજની સમાધિ પર જલાભિષેક મહાપૂજાના કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. તો વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો દર્શન માટે ભારે ધસારો જોવા મળ્યો હતો અને મંદિર પરિસર ખાતે દર્શન માટે લાંબી કતારો સર્જાઇ હતી.
ભંડારાનું આયોજન :શ્રદ્ધાળુ ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક ગુરુગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. પાટણના ગોળ શેરી વિસ્તારમાં આવેલી ગોરજી મહારાજની ગાદી તેમજ રાણકીવાવ રોડ ઉપર આવેલ નવીન કાળકા મંદિરમાં દેવગીરી મહારાજની ગાદી પર મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.
ભાજપના નેતાએ કરી પ્રાર્થના: દેશ અને નગરની પ્રગતિ માટેની પ્રાર્થના ગુરુપૂર્ણિમાના પાવન પર્વને લઈને રાજકીય આગેવાનોએ પણ ગુરુગાદીઓ પર જઈ પૂજા અર્ચના કરી હતી. પાટણના સામાજિક આગેવાન અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે નર્મદા ગીરી મહારાજની ગાદી ગોરજી મહારાજની ગાદી સિદ્ધનાથ મહાદેવ મંદિર સહિતની ગુરૂ ગાદીઓ પર જઈ દર્શન કરી દેશ અને પાટણની જનતાની પ્રગતિ થાય તેવા કાર્યો ગુરુ કરાવે તે માટેની પ્રાર્થના કરી હતી.
ભક્તોનો દર્શન કરવા માટે ભારે ધસારો : ગુરુ અને શિષ્ય માટેનો પાવન દિવસ એટલે ગુરુપૂર્ણિમા. આ દિવસે પાટણ શહેર સહિત જિલ્લાની વિવિધ ગુરુગાદીઓ ઉપર સવારથી જ સેવકોને ભક્તોનો દર્શન કરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. ભાવિકોએ પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. વિવિધ ગુરુ ગાદીએ ઉપર ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
- Guru Purnima 2023 : લોકોના જીવનમાં ગુરુનું મહત્વ, જાણો ગુરુ પૂર્ણિમા પર બુદ્ધ કનેકશન,
- Rajkot SGVP: ગુરુકુળમાં ધો-10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, સ્પીચ આપતા થયો હતો બેભાન
- Guru Purnima 2023 : ગુરુ પુનમે ભવનાથમાં ભક્તોની લાગી લાઈન, ભોજન પ્રસાદનું વિશેષ આયોજન